અમદાવાદમાં ત્રણ નકલી પોલીસની ધરપકડ ઈસનપુર પોલીસે કરી છે જેમાં ડેકોરેશનના વેપારીને ધમકી આપી 28 હજાર પડાવ્યા હોવાની વાત સામે આવી છે,તું ખોટા કામ કરે છે તેવા આક્ષેપ કરી ધમકી આપી હતી અને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાની વાત સામે આવી છે,પોલીસે સીસીટીવીના આધારે યાસીન ઉર્ફે પપૈયા કુરેશી, મોહન શેખ,અબરાર પઠાણની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
ફરિયાદીને લાફો મારી ધમકી આપી
અમદાવાદ શહેરના વસ્ત્રાલ ખાતે રહેતા અને ડેકોરેશનનો વ્યવસાય કરતા ફરિયાદી મણીકંદન શેખર દેવર મદ્રાસી રહે. મહાદેવ એવન્યુ, વસ્ત્રાલ, અમદાવાદ, પોતાના ધંધા માટે મજૂર શોધવા માટે નારોલ સર્કલ પાસે આવેલ અને ત્યાંથી રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સુમારે પરત જતા હતા, ત્યારે રસ્તામાં કેડિલા બ્રિજ ઉપર એક મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા આરોપીઓએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી, તું ખોટા કામ કરે છે, તેવો આક્ષેપ કરી, તમાચા મારી, પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી, પોતાના અધિકારી સાથે વાત કરવાનું જણાવી, ફોન ઉપર ત્રીજા આરોપી સાથે વાત કરી, ફિટ કરી દેવાની ધમકી આપી.
પોલીસે ખંડણીની નોંધી ફરિયાદ
કેસની પતાવટ કરવા માટે એક લાખ રૂપિયા માંગી, ફોનમાં ગૂગલ પે મારફતે રૂ. 28,100/- કાઢી લઈ, કોઈને વાત કરીશ તો, ફિટ કરી દેવાની ધમકી આપી, ગુનો આચરતા, ફરિયાદી દ્વારા ત્રણ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ તરીકેની ઓળખ આપી, બળજબરીથી રૂપિયા કઢાવવા બાબતની ખંડણીની ફરિયાદ નોંધાઈ છે.પકડાયેલ આરોપી પાસેથી મુદામાલ રોકડ રૂ. 28,100/- તથા ગુન્હામાં વાપરેલ મોટર સાયકલ કબ્જે કરવામાં આવેલ છે.
આ ગુન્હામાં આરોપી યાસીન ઉર્ફે પપયો કુરેશી મુખ્ય સૂત્રધાર છે
જે ભૂતકાળમાં ડુપ્લીકેટ પોલીસની મોડસ ઓપરેન્ડીથી અમદાવાદ શહેરના શહેરકોટડા, બાપુનગર, કાગડાપીઠ, વેજલપુર, સહિતના પોલીસ સ્ટેશન ખાતે સાત ગુનાઓમાં પકડાયેલ છે. જ્યારે આરોપીઓ મોહસીન શેખ તથા અબરાર પઠાણ ડુપ્લીકેટ પોલીસની મોડસ ઓપરેન્ડીથી બે બે ગુન્હાઓમાં પકડાયેલ છે. આમ, ત્રણેય આરોપીઓના ગુન્હા મળી, કુલ અગિયાર જેટલા પોલીસ તરીકેની ઓળખ આપી, ખંડણી ઉઘરાવવાના ગુન્હાઓમાં પકડાયેલ નામચીન ગુન્હેગાર છે. આરોપી યાસીન ઉર્ફે પપયો કુરેશી સને 2021 ની સાલમાં બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે પાસા ધારા હેઠળ રાજકોટ જેલ ખાતે જેલની હવા પણ ખાઇ ચૂકેલ હોવાનું પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા જાણવા મળેલ હતું.
સીધા માણસોને ટાર્ગેટ કરી રૂપિયા પડાવતા
આરોપી યાસીન ઉર્ફે પપયો કુરેશી મુખ્ય સૂત્રધાર હોય, સામાન્ય રીતે સીધા સાદા માણસોને જ ટાર્ગેટ કરી, માહિતી મેળવતો હોવાની વિગતો જાણવા મળેલ છે. ત્યારબાદ એ શિકાર શોધી, સહ આરોપીઓ મોહસીન શેખ અને અબરાર પઠાણને કામ સોંપી, અધિકારી તરીકે પોતે વાત કરી, પોલીસ અધિકારીની અદાથી શોધેલ શિકારને દમ મારી, જેલમાં ના જવું હોય તો, વહીવટ કરવા જણાવી, ખંડણી ઉઘરાવી, રૂપિયા પડાવતા હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન હજુ વધુ ગુન્હાઓ શોધવાની શક્યતા રહેલી છે.