• ઘડિયાળ બનાવતી અજંતા-ઓરેવાના માલિકને જેલમાં ઘરનું ગાદલું-ઘરનું ટિફિન

  • મોરબી પુલ દુર્ઘટનામાં ઝડપાયેલા તેના બે મેનેજર અને ક્લાર્ક સાથે ખોલીમાં દિવસો વિતાવવા પડે છે
  • અહીં માત્ર તેઓને ઘરના ગાદલા અને ઘરના ભોજનની વિશેષ સુવિધા અપાઇ

800 કરોડની કંપનીનું સામ્રાજ્ય ધરાવતા અને વિશ્વને સમય જોવા માટે ઘડિયાળ સહિતના અનેક ડિજિટલ ઉત્પાદનો આપનાર અજંતા - ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની જિંદગીનો સમય ઝૂલતા પુલની દુર્ઘટનાએ બદલાવી નાખતા હાલમાં તેઓ મોરબી જેલમાં ખોલી નંબર 9માં કાચા કામના કેદી તરીકે સમય કાપી રહ્યા છે. ઉદ્યોગ જગતમાં મોટું સ્થાન ધરાવતા જયસુખ પટેલને મોરબી જેલમાં કોઈ વિશેષ સવલતો મળી નથી, પરંતુ ઘરના ગાદલા અને ઘરનું ટિફ્નિ જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જેલ મેન્યુઅલ મુજબ તેમની સાથે ખોલી નંબર 9માં તેમની જ કંપનીના ચાર કર્મચારીઓને પણ રાખવામાં આવ્યા છે.

ગત 30મી ઓક્ટોબરના રોજ મોરબીના ઇતિહાસમાં ગોઝારી કહી શકાય તેવી દુર્ઘટનામાં અજંતા - ઓરેવા કંપની સંચાલિત ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં અગાઉ અજંતા - ઓરેવા કંપનીના બે મેનજર, ટિકિટબારી ક્લાર્ક, બે કોન્ટ્રાકટર અને સિક્યુરિટી ગાર્ડ સહીત 9 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા ચાર્જશીટ દાખલ કરતા સમયે પૂરતા પુરાવા મળતા અજંતા - ઓરેવા કંપનીના મેનજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને પણ આરોપી જાહેર કરી તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસના અનેક પ્રયાસો બાદ પણ જયસુખ પટેલ હાથ લાગ્યા ન હતા. ત્યારબાદ કોર્ટ મારફ્તે પકડ વોરંટ ઈસ્યુ થતા ગત 31 જાન્યુઆરી 2023ના રોજ જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરન્ડર કર્યું હતું.

ત્યારબાદ પોલીસ રિમાન્ડ સહિતની કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઇ તા. 8ના રોજ જયસુખ પટેલને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવા હુકમ થતા એશોઆરામની જિંદગી જીવતા અને રૂપિયા 800 કરોડનું સામ્રાજ્ય ધરાવતા જયસુખ પટેલ મોરબી સબજેલમાં હાલમાં જેલ મેન્યુઅલ મુજબ દિવસો પસાર કરી રહ્યા છે, જેલ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મોરબી જેલમાં તેઓને કોઈ વીઆઈપી કહી શકાય તેવી સુવિધા આપવામાં આવી નથી. અહીં માત્ર તેઓને ઘરના ગાદલા અને ઘરના ભોજનની વિશેષ સુવિધા અપાઇ છે.

ઉલ્લેખનીય છે કે, જયસુખ પટેલને જે જેલમાં રખાયા છે તે મોરબી જેલમાં 171 કેદીઓ રાખવાની ક્ષમતા છે પરંતુ હાલમાં જેલમાં જયસુખ પટેલ સહિત 272 કેદીઓ રાખવામાં આવ્યા છે જેમાં 268 પુરુષો અને 4 સ્ત્ર્રી કેદીનો સમાવેશ થાય છે. જેમાં જયસુખ પટેલને ખોલી નંબર-9માં એક પાક કામના કેદી અને અજંતા-ઓરેવા કંપનીના બે મેનેજર અને બે ટિકિટબારી ક્લાર્ક સહિત કુલ પાંચ લોકો સાથે રહે છે.

કાચા કામના કેદી : અગાઉ પૂર્વ MLA જેલમાં રહેલા

કાચા કામના કેદી તરીકે જેલમાં રહેલા જયસુખ પટેલ દરરોજ સવારે 6.30 વાગ્યે ઉઠયા બાદ નિત્યક્રમ મુજબ ન્યુઝ પેપર વાંચવામાં અને પુસ્તકો વાંચવામાં સમય વ્યતીત કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જેલમાં આ અગાઉ પૂર્વ ધારાસભ્ય પરસોતમ સાબરીયાને સિંચાઈ કૌભાંડમાં ન્યાયિક હિરાસતમાં રાખવામાં આવ્યા હતા.


  • Follow us on: