દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાં સગીરાની છેડતી તેમજ ફરિયાદીના પરિવાર પર હુમલા પ્રકરણના 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જામ ખંભાળિયાના એક ગ્રામ્ય વિસ્તારમાં સગીર વયની વિદ્યાર્થીનીને વિધર્મી યુવક અવારનવાર છેડતી કરતો હતો, જેથી સગીરની છેડતી નહીં કરવા યુવકને સમજાવવા જતા તેમના પરિવારજનો પર 4 વિધર્મી શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
સમીર સલીમ સૈયદ નામનો વિધર્મી શખ્સ અવારનવાર પીછો કરી અને છેડતી કરતો
સગીરાના પરિવાર દ્વારા જામ ખંભાળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાના પ્રકરણમાં પોલીસને તાકીદની કાર્યવાહી કરી, તમામ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. આ સમગ્ર પ્રકરણમાં જામ ખંભાળિયા તાલુકામાં રહેતી એક તરુણ વયની વિદ્યાર્થીનીને સમીર સલીમ સૈયદ નામનો વિધર્મી શખ્સ અવારનવાર પીછો કરી અને છેડતી કરતો હતો. આ અંગે સગીરા દ્વારા તેણીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને પરિવારજનો દ્વારા આરોપીને સમજાવા જતા ઉશ્કેરાયેલા શખ્સો સમીર સલીમ, ઈબ્રાહીમ ઉર્ફે ભોલો સલીમ સૈયદ, અજીત ઈબ્રાહીમ સૈયદ અને અમીર સલીમશા ફકીર નામના ચાર શખ્સોએ તેમને ફરિયાદી પરિવાર પર લાકડાના ધોકા તથા રીક્ષાના સાયલેન્સર વડે હુમલો કર્યો હતો.
4 શખ્સોને ઝડપી લઈને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું
આ સમગ્ર પ્રકરણ સંદર્ભ સગીરાના પરિવારજનો દ્વારા જામ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના અનુલક્ષીને પોલીસે છેડતી કરનાર આરોપી શખ્સ સામે પોક્સો એક્ટ તેમજ ઉપરોક્ત તમામ 4 શખ્સો સામે મારામારી અને હુમલો કરવા સંદર્ભે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં અહીંના ડીવાયએસપી વી.એમ. માનસેતાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી તાકીદની કાર્યવાહીમાં ઉપરોક્ત તમામ 4 શખ્સોને ઝડપી લઈને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.









