આમોદમાં મોટા તળાવ ખાતે 6.59 કરોડનાં ખર્ચે બ્યુટીફ્કિેશનની કામગીરી ચાલી રહી છે.જે કામગીરીમાં વેઠ ઉતારવા માં આવતી હોવાની બૂમ ઉઠવા પામી છે. આમોદમાં વરસેલા કમોસમી વરસાદે કોન્ટ્રાકટર દ્વારા થઈ રહેલી તકલાદી કામગીરીની પોલ બહાર પાડી હતી. જે અંગે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તળાવની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યાં હતાં. પરંતુ આ અંગે કન્સલ્ટન્ટ એજન્સી અને નગરપાલિકા દ્વારા કોઈ દેખરેખ નહીં રખાઈ હોવાના આક્ષેપ પણ થયા છે.
આમોદના મોટા તળાવ ખાતે બ્યુટીફ્કિેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં ચણતર, પ્લાસ્ટર,અને કોંક્રીટની કામગીરીમાં બિલકુલ ઝીણી રેતી વાપરવામાં આવી હોવાનું ઘ્યાનમાં આવ્યુ હતું. જેના કારણે કોંક્રીટ નીકળી જતું હતું. જયારે રબલ પેચિંગ પ્રોટેકશન પાળ પણ તકલાદી બનાવેલ હોવાથી મોટા હોલ પડી ગયેલાં નજરે પડયા હતાં. હાલમાં વરસેલા કમોસમી વરસાદે બ્યુટીફ્કિેશનની કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી. આ અંગે પાલિકાના મુખ્ય અધિકારીને પૂછતાં તેમણે કંઈપણ જણાવવાનો ઇનકાર કર્યો હતો.










