જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના મૃત્યુ થયા હતાં. તેમાં ભાવનગરના વિનુભાઈ ડાભીને ઈજા પહોંચી હતી. તેમને અનંતનાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તેઓ હવે સુરક્ષિત રીતે ભાવનગર પરત આવી ગયાં છે. તેમણે હુમલા સમયની વાસ્તવિકતા વર્ણવી હતી. તેમના ઘરે ધારાસભ્ય જીતુ વાઘાણી પહોંચ્યા હતાં અને આખી બાબતને સાંભળી હતી.
વિનુભાઈ ડાભીને 2 જગ્યા એ ગોળીઓ વાગી હતી
ભાવનગરના વિનુભાઈ પહલગામના આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતાં. તેમને જમણા હાથમાં કોણીના ભાગ પાસે અને ખભામાં આતંકીઓએ વરસાવેલી ગોળી વાગી હતી. તેમને અનંતનાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. વિનુભાઈએ આખી ઘટનામાં શું થયું તે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 22 એપ્રિલે અમે બધા પ્રવાસીઓ સુકોમેવો ખાતા હતાં. ત્યાં નાશ્તો પણ હતો અને કેટલાક લોકો નાશ્તો કરી રહ્યા હતાં. આ દરમિયાન હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આતંકવાદીઓ પ્રવાસીઓ પર આડેધડ ફાયરિંગ કરવા માંડ્યા હતાં.
આતંકવાદીઓને મારીને ઠાર કરી દેવા જોઈએ
મને જમણા હાથમાં કોણી પાસે એક ગોળી વાગી હતી અને ખભામાં પણ ગોળી વાગી હતી. લોકોમાં દોડાદોડ અને ચીસાચીસ થતી હતી. મને સારવાર માટે અનંતનાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પ્રવાસીઓ પર આડેધડ ફાયરિંગ કરનારા આ આતંકીઓને ઠાર કરી દેવા જોઈએ. ભયાનક હુમલાથી લોકોમાં ડર ફેલાયો હતો. હવે ઘરે આવ્યા બાદ વિનુભાઈએ તેમની સાથે શું થયું હતું તેની વાત કરી હતી.









