- કન્યાઓને આપવામાં આવતી સાયકલ ધૂળમાં
- આદર્શ નિવાસી શાળામાં પડી રહી છે સાયકલ
- છેલ્લા 1વર્ષથી ગોડાઉનમાં રાખવામાં આવી છે
સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ નવમાં ધોરણમાં અભ્યાસ કરતી કન્યાઓ ઘરેથી શાળા સુધી સાયકલ પર જઈ શકે તે માટે યોજના શરૂ કરવામાં આવી છે. શાળામાં ડ્રોપઆઉટ રેશિયામાં ઘટાડો થાય તે માટે સત્ર શરૂ થાય ત્યારે વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક સાયકલ આપવામાં આવે છે. 2024માં ધોરણ 9 ની વિદ્યાર્થિનીઓને વિતરણ કરવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે અને વરસાદમાં કાટ લાગવાથી ખરાબ થઈ રહી છે.
વિદ્યાર્થીનીઓને શાળાએ પહોંચવા માટે સાયકલ આપવામાં આવે છે
જામનગરમાં ધૂળ ખાઈ રહેલી સાયકલો કોઈ ગોડાઉનમાં નહીં પણ આદર્શ નિવાસી શાળામાં પડી રહી છે. આ સાયકલ ધોરણ 9માં અભ્યાસ કરતી બાળાઓને આપવામાં આવે છે. જેથી તેઓ ઘરેથી શાળામાં અને શાળાથી ઘરે સમયસર પહોંચી શકે અને તેમને આવવા-જવામાં કોઈ તકલીફ ના પડે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓ ઘરેથી સ્કૂલ સુધી જાય તે માટે ધોરણ 9 માં આવતી વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો આપવામાં આવે છે. પરંતુ 2024 માં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ નવની વિદ્યાર્થિનીઓને વિતરણ માટે સાયકલો તૈયાર કરવામાં આવી અને સાઇકલો છેલ્લા એક વર્ષથી તૈયાર પણ થઈ ગઈ છે છતાં પણ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ સાયકલોને હેન્ડ ઓવર ન કરતા સાયકલો જાહેરમાં ધૂળ ખાઈ રહી છે.
આ વર્ષે વિદ્યાર્થીનીઓ સાયકલથી વંચિત
જામનગરમાં આવેલ આદર્શ નિવાસી શાળામાં 300 જેટલી સરસ્વતી સાધના યોજના હેઠળ તૈયાર થયેલ સાયકલો કાટ ખાઈ રહી છે. વર્ષ 2024માં ધોરણ 9માં આવેલ વિદ્યાર્થીનીઓને વિતરણ કરવાની સાયકલો કોઈને આપવામાં આવી નથી. ધોરણ 9ની જે વિદ્યાર્થિનીઓને આ સાયકલ આપવાની હતી તે વિદ્યાર્થીનીઓ હાલમાં ધોરણ 10માં આવી ગઈ છે પરંતુ હજુ સુધી વિદ્યાર્થિનીઓને સાયકલ વિતરણ કરવામાં નથી આવી.









