જામનગરમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં રાજમાતા ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29મો ૫દવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્લોમા, પી.જી.ડીપ્લોમા, બેચલર ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડીના મળીને 1,841 વિદ્યાર્થીઓ તેમજ બે વિશેષ વ્યકિતત્વને ડોકટરેટ ઓફ લીટરેટર આયુર્વેદની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી.
સ્વસ્થ શરીરથી ઉત્તમ બીજું કોઈ સુખ નથી
સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા. જામનગરમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે આજે 29માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હોદાની રૂએ રાજ્યની તમામ યુનિવર્સિટીના વડા ગણાતા રાજયપાલ આચાર્ય દેવવ્રત આ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીરથી ઉત્તમ બીજું કોઈ સુખ નથી. ઉત્તમ સ્વાસ્થ્ય થકી જ સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવા શક્ય બને છે.
ભારતના ઋષિઓ રિસર્ચ સ્કોલર હતા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે પણ શરીરનું સ્વસ્થ હોવું આવશ્યક છે. ત્યારે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટે અકલ્પનિય કામ કર્યું છે. ભારતના ઋષિઓ રિસર્ચ સ્કોલર હતા, જેઓએ દરેક ક્ષેત્રમાં સંશોધનો કર્યા અને આયુર્વેદને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડ્યું હતું. પદવી પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને શીખ આપતાં રાજ્યપાલે જણાવ્યું કે, આગામી કારકિર્દીમાં આજે અહીં લીધેલા સંકલ્પને સૌ સાચા અર્થમાં ચરિતાર્થ કરજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ચિકિત્સા તેમજ પરંપરાગત વિદ્યાને ઉત્તેજન આપવા પ્રયત્નશીલ છે, ત્યારે તમે સૌ પણ આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધે, આ વિદ્યા થકી માનવતાનું કલ્યાણ થાય અને લોકો રોગમુક્ત બને તે દિશામાં કામગીરી કરજો.









