જામનગરની ધ્રોલ નગર પાલિકા ફરી વિવાદમાં આવી છે. ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં.1ના મહિલા કોર્પોરેટરના પતિના પોસ્ટર વાયરલ થયા છે. આ પોસ્ટરમાં કોર્પોરેટર મહિલા નહીં પરંતુ તેમના પતિ હોવાનું બતાવવામાં આવ્યું છે. કોર્પોરેટર મંજુબેન વરુનાં પતિએ પોતે કોર્પોરેટર હોય તેવા પોસ્ટર વાઇરલ થતા પાલિકામાં ચાલતી ધાંધિયાગીરીને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
વોર્ડ નં.1 અત્યારે વિવાદમાં સપડાયો
ધ્રોલ નગરપાલિકા 7 વોર્ડમાં વહેંચાયેલી છે. નગરપાલિકાનો વોર્ડ નં.1 અત્યારે વિવાદમાં સપડાયો છે. ધ્રોલ વોર્ડ નં- 1ના કોર્પોરેટર સત્તાવારી રીતે મંજુબેન વરુ છે. જયારે હાલમાં વાયરલ થયેલા પોસ્ટરમાં મંજુબેન વરુના સ્થાને તેમના પતિ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પાલિકાની કામગીરીનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં દેખાય છે કે કોર્પોરેટર પત્ની છે અને તમામ વહીવટ પતિ કરી રહ્યો છે. અગાઉ ઉપપ્રમુખના પતિના ફોટા વાયરલ થયા હતા અને હવે કોર્પોરેટરને લઈને વિવાદ જોવા મળતા ધ્રોલ નગરપાલિકામાં ચાલતા વહીવટને લઈને મોટા પ્રશ્નો ઉભા થયા છે. વાયરલ પોસ્ટરને લઈને મહિલા કોર્પોરેટર કે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. આ મામલે ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ ઢાંકપિછોડો કરી રહ્યા હોવાનું વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ધ્રોલ પાલિકાની ધાંધિયાગીરી
મહત્વનું છે કે ધ્રોલ વિસ્તારમાં અંદાજે 25,833ની વસ્તી હોવાનો અંદાજ છે. વધુ વસ્તીના કારણે નિયમ મુજબ પાલિકાને 7 વોર્ડમાં વંહેચવામાં આવી છે. પરંતુ હાલમાં વોર્ડનં.1 વિવાદનું કેન્દ્ર બન્યો છે. હજુ ચારેક દિવસ પહેલા ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયાના સ્થાને તેના પતિ ખુરશી પર બેશી વહીવટ કરતા હોવાના ફોટો વાયરલ થયા હતા. અને હવે કોર્પોરેટર મહિલા અને તેમના પતિને લઈને વિવાદ જોવા મળતાં પાલિકાની કામગીરીની પોલ છતી થઈ છે. ધ્રોલ સંગઠન દ્વારા કોઈ કાર્યવાહી નહિ થતાં પાલિકાના પદ પર રહેલ મહિલાઓ માત્ર કઠપૂતળી બની અન્યના ઇશારે કામ કરતી હોવાનું રાજકીય વર્તળુોમાં ગણગણાટ શરૂ થયો છે.









