જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતનો હાલાર પંથક એટલે જીરુંનો ગઢ. જીરુંનું અહીં સૌથી સારું વાવેતર પણ થાય છે અને ઉત્પાદન પણ થાય છે. પરંતુ આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતાએ જીરું પકવતા ખેડૂતોની કમર તોડી નાખી છે. જીરુંનું હોંશભેર વાવેતર કરી અને ખેડૂતો ખૂબ સારા ઉત્પાદનની આશાએ રહ્યા હતા. પરંતુ આ આશા ઠગારી નીવડી છે અને વાતાવરણ વેરી બનતા જીરુંના પાકમાં હાલ 50 ટકા કરતા વધારે પાકમાં ઘટાડો નોંધાય તેવો ખેડૂતો દાવો કરી રહ્યા છે.


[[$googlead]]

જીરુંના પાકમાં રોગચાળાએ માથું ઊંચક્યું

છેલ્લા 7-8 દિવસથી જામનગર જિલ્લામાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. દિવસે ખૂબ તડકો પડી રહ્યો છે તો વહેલી સવારે ઝાકળ વર્ષા થતી હોવાથી જીરુંના પાકમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. જીરુંનો પાક એક બાજુ તૈયાર છે બીજી બાજુ હાલ રોગચાળો આવતા ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાશે. જામનગર તાલુકાના ધુંવાવ ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે અમે જીરું ઉપરાંત ઘઉં અને ચણાનું શિયાળુ પાક તરીકેનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હાલારના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

[[$alsoread]]

પાકમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાઈ શકે

આ બદલાવ અમારા માટે વેરી સાબિત થયો છે. જીરુંના પાકને વાતાવરણ ખૂબ અસર કરતું હોવાથી ઝાકળને લઈ જીરુંમાં રોગ આવતા હોય છે. આથી વાતાવરણમાં પલટો આવતાની સાથે જ અમે તાત્કાલિક જંતુનાશક દવાની શરૂઆત કરી હતી. જોકે છતાં પણ હાલ જીરુંમાં 'સુકારા' નામનો અને 'કારિયા' (જેમાં જીરુંનો છોડ કાળો પડી જાય અને દાણાનો ભુક્કો થઈ જાય છે) નામનો રોગ આવી ગયો છે. પરિણામે જીરુંના ઉત્પાદનમાં ધાર્યા કરતા 50 ટકા જેટલો ઘટાડો નોંધાઈ શકે છે.

રોગચાળો આવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો

ગત વર્ષ મગફળીનો ઉતારો કાઢવાનો બાકી હતો, ત્યારે કમોસમી વરસાદ થયો હતો અને ખેડૂતો મગફળી બચાવી શક્યા ના હતા અને ત્યારબાદ રવિપાકનું મોડું વાવેતર થયા બાદ તેમાં પણ કુદરતી રીતે વાતાવરણમાં પલટો આવતા જીરુંના પાકને વ્યાપક નુકશાની ખેડૂતો ભોગવી રહ્યા છે, ખેડૂતોએ એક બાજુ મોંઘીદાટ દવાઓ અને બિયારણ તેમજ મજૂરી ચઢાવી જીરુંના પાકને જીવની જેમ સાચવી તૈયાર કર્યો હતો તેવા સમયે હવે અંતની ઘડીએ જીરુંમાં રોગચાળો આવતા ખેડૂતોને માથે ઓઢી રડવાનો વારો આવ્યો છે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 

  • Follow us on: