ભાજપમાં ભરતી મેળો થયા બાદ હવે આંતરિક મતભેદ અને અસંતોષ સામે આવ્યું છે, તેમાં પણ પ્રતિનિધિત્વ વિહોણો વિસ્તાર એટલે વિસાવદર વિધાનસભા બેઠક. ધારાસભ્ય વગરનો આ વિસ્તાર ઇકો ઝોન મુદ્દે લડત ચલાવી રહ્યો છે તેમાં પણ આ વિસ્તારના જ બંને પૂર્વ ધારાસભ્યો સામસામે આવી ગયા છે અને તેમના સમર્થકો પણ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે.
ઇકો ઝોનનો સળગતો મુદ્દો છે
ત્યારે વિસાવદર બેઠકના બંને પૂર્વ ધારાસભ્યો ભુપત ભાયાણી અને હર્ષદ રીબડીયા ભાજપના જ નેતાઓ છે અને બંને નેતાઓ એકબીજા ઉપર આક્ષેપબાજી કરતા અચકાતા નથી અને કોને ટિકિટ મળશે અને કોણ પ્રજાનો વિશ્વાસ જીતશે તે માટે બંને નેતાઓ અને તેમના સમર્થકો રાજકારણ કરતા અચકાતા નથી. અને આ વિસ્તારમાં થયેલી હાઇકોર્ટમાં પિટિશન અંગે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભેસાણના સ્થાનિક લોકોમાં હર્ષદ રીબડીયા સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે ભાજપના જ કાર્યકર્તાઓમાં હર્ષદ રીબડીયા સામે નારાજગી જોવા મળે છે.
ભેંસાણ તાલુકામાં વિકાસના કામો અટક્યા
હાઇકોર્ટમાં કરેલી હર્ષદ રીબડીયા દ્વારા ચૂંટણી અંગેની પિટિશન ને લઈને આ બેઠકના વિકાસના કામો અટકી ગયા છે, જેને લઇને ભેસાણ તાલુકાના લોકો તે માટે હર્ષદ રીબડીયા ને જવાબદાર માને છે. સ્થાનિકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, હર્ષદ રીબડીયા આ વિધાનસભાનો વિકાસ કરવા માંગતા હોય તો તેમણે પિટિશન પરથી ચૂંટણી અંગેનો માર્ગ મોકળો કરવો જોઈએ તેના બદલે તે ઇકોઝોનના બાબતને લઈને જ્યાં આ બાકી પાર્ટીની સભાઓ થાય છે તેમાં હાજરી આપે છે અને પોતે ખેડૂતોનું વિચારી રહ્યા છે અને પક્ષ તેના માટે કોઈ માન્ય નથી રાખતા તેવું નિવેદન આપે છે ત્યારે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા પણ માંગણી કરવામાં આવી છે. જે સભાઓમાં સરકાર સામે વિરોધીઓ વાતો કરતા હોય અને લોકોને ગેરમાર્ગે દોરતા હોય તે સભામાં જઈને આમ આદમી પાર્ટીના નેતાઓને પોતાના મિત્રો ગણાવતા હોય તો ભાજપ મોવડી મંડળે પણ આ અંગે કોઈ નિર્ણય લેવો જોઈએ.
હર્ષદ રીબડીયાના સમર્થકોએ પણ આક્રોશ ઠાલવ્યો
બીજી તરફ હર્ષદ રીબડીયાના સમર્થકોએ પણ ભુપત ભાયાણીની સામે બાયો ચડાવી છે અને હર્ષદ રીબડીયાને ખેડૂતોના નેતા પહેલા પણ હતા અને અત્યારે પણ છે જ તેવું જણાવ્યું છે. અને ભુપત ભાયાણીને પડકાર ફેંક્યો છે કે ઇકો ઝોનથી ખેડૂતોનું ભલું જ થવાનું હોય તો તમે જાહેરમાં આવીને ચર્ચા કરો, બાકી હર્ષદ રીબડીયા કોંગ્રેસમાં હતા ત્યારે પણ ખેડૂતો માટે વિચારતા હતા અને કામ કરતા હતા અને અત્યારે પણ ભાજપમાં છે, તો પણ ખેડૂત અંગે સતત તેઓ ચિંતિત છે.
આમ જુનાગઢ જિલ્લા ભાજપ ફરતે અજગરે ભરડો લીધો છે. વિસાવદરના બંને પૂર્વ ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ કરાવીને ભાજપએ સાપે છછુંદર ગળ્યા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આગામી સમયમાં હવે આ મુદ્દાને લઈને કોણ શું નિવેદનબાજી કરે છે તે જોવાનું રહ્યું.









