જુનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા કરવામાં આવી છે. પૂર્વ પ્રવાસન મંત્રી અને ભાજપના નેતા જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જુનાગઢના નેતા કિરીટ પટેલ અંગે રજુઆત કરી છે. જેને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સામે શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. જુનાગઢ જિલ્લામાં ભાજપની હાલત દયનીય બની ગઈ છે. સહકારી મંડળી ક્ષેત્રે પણ કિરીટ પટેલની છાપ ખરાબ છે. કમાતો દીકરો કોને ન ગમે? કિરીટ પટેલ કમાતો દીકરો છે એટલે ભાજપને પ્રિય છે
જુનાગઢ ભાજપમાં લેટર બોમ્બ બાદ વિવાદ વકર્યો
ભાજપ પ્રમુખ સામે અન્ય નારાજ નેતાઓ સામે આવ્યા છે. પૂર્વ પ્રમુખ કનુ ભાલાળાએ પણ સ્ફોટક નિવેદન કર્યું છે. કનુ ભાલાળાએ કહ્યું કે, બે-બે વખત પ્રમુખ બનાવવાનો અર્થ શું છે. બે વર્ષ પહેલા અમે ફરિયાદ કરી હતી. જવાહરભાઇએ હવે પત્ર લખ્યો છે. સંગઠને અમારી સાથે ચર્ચા કરવી જોઇએ. સંગઠનમાં હોદ્દો હોવા છતાં અન્ય હોદ્દા અપાયા છે.
પૂર્વ પ્રવાસન મંત્રી અને ભાજપ નેતા જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જુનાગઢના નેતાની રજૂઆત કરી છે. તાજેતરમાં લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયાને લઈને થયેલા વિવાદ બાદ ફરી તેમણે સીધો વડાપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી છે. આ વખતે તેમણે જિલ્લા ભાજપના હોદ્દેદારો અંગે જાણ કરતો પત્ર લખ્યો છે. જેમા કહ્યું કે, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે. જિલ્લા પ્રમુખે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી બીજા સ્થાનો પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો છે. સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ ત્રણ વિવિધ હોદ્દા ભોગવતા હોવાનો ઉલ્લેખ કર્યો. આ વાતની રજૂઆત કરાઈ હોવા છતાં પીએમ સુધી પહોંચી ન હોવાનો ઉલ્લેખ કર્યો.
જવાહર ચાવડાએ પત્રમાં શું લખ્યું
જુનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વિગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે પરંતુ જુનાગઢ આમા અપવાદ છે. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરઉપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તી કરેલ છે. એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે. 1.) જિલ્લા પ્રમુખ 2.) બેન્કમાં પ્રમુખ ૩.) માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ (સત્તાના દુરઉપયોગનું આવુ ઉદાહરણ આખા ગુજરાતમાં નહી જોવા મળે) બે જિલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યુ. ૧. તાલાળા ૨. વિસાવદર ૩. જુનાગઢ. કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલ્યું હશે.
જવાહર ચાવડાએ વધુમાં જણાવ્યું કે, આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એકસાથે ભોગવ્યા, જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસુલી કે હફતાખોરી કરીને ચરમસીમા વટાવેલ છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો ૧. કનુભાઈ ભાલાળા ૨. ઠાકરશીભાઈ જાવિયા ૩. માધાભાઈ બોરીયા વગેરેએ વખતો વખત ફરીયાદ કરી હોવા છતા પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી. ક્યાંક કોઈ રહેમ નજર હેઠળ દબાઈ જાય છે. આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવુ પડે એવા કૃત્યો કર્યા છે. આમ તો આ લીસ્ટ લાંબુ છે. પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જુનાગઢની પ્રજામાં નારજગી અને રોષ છે એ જણાવું તો. ૧. જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમોને નેવે મુકીને કરેલું છે જે આપને કદાપી સ્વીકાર્ય નહી થાય. ૨. જુનાગઢની જનતાને અભૂતપૂર્વ પુરની આફતમાં સંડોવનાર કારણોમાં એક વોકળા પરના દબાણોમાં જનાબ શિરમોર છે. એમના દ્વારા નિર્મિત કૌષ્ના આર્કેડ એટલે, ખોટી મંજૂરી, ખોટુ બાંધકામ અને કાયમી દબાણ. અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે કયા મોઢે જવુ? પ્રજાનો સામનો કેમ કરવો? આ સાથે મેં વખતો વખત કરેલ ફરીયાદો અને 5-બિડાણ સામેલ છે.









