રાજ્યભરમાં ઉનાળાની કારમી ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો અવનવા કિમિયાઓ અજમાવી રહ્યા છે, ત્યારે જુનાગઢ સક્કર બાગ પ્રાણી સંગ્રહાલય ખાતે રાખવામાં આવેલા પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ અલાયદી સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજ્યભરમાં હાલ ઉનાળાની આખરી ગરમી પડી રહી છે, ત્યારે જુનાગઢ શહેરમાં પણ 40થી 42 ડિગ્રી તાપમાન રહેતું હોય અને આકરી ગરમી પડતી હોય ત્યારે પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા પક્ષી અને પ્રાણી માટે ઝૂ પ્રશાસન દ્વારા દરેક પક્ષી પ્રાણી માટે ગરમીથી રક્ષણ મળે તેના માટે ઠંડકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પક્ષીના પાંજરામાં પાણીના ફુવારા અને ગ્રીન નેટ લગાવવામાં આવી
પક્ષીઓ માટે પાણીવાળા ફ્રુટની પૂર્તિ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ પક્ષીના પાંજરામાં પાણીના ફુવારા અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે. જેથી કરી પક્ષીઓને ગરમીથી રક્ષણ મળી રહે અને તાપમાન પણ જળવાઈ રહે પાણીના સ્તોત્રમાં ઓઆરએસનો પણ ઉપયોગ કરવામાં આવે છે, દરરોજ પક્ષી અને પ્રાણીઓની સારવારને લઈને ચકાસણી કરવામાં આવે છે અને જો કોઈ પક્ષી કે પ્રાણીને ગરમી લાગી હોય તો તેની પૂરતી સારવાર કરવામાં આવે છે.
પ્રવાસીઓ માટે પીવાના પાણીની પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી
સિંહ, વાઘ જેવા પ્રાણીઓના પાંજરામાં નેટ મૂકી અને પાણીના સ્તોત્રમાં દરરોજ બરફ મૂકવામાં આવે છે. તેમજ પ્રાણીઓના ખોરાકમાં પણ પાણી જળવાઈ રહે તેવો ખોરાક આપવામાં આવે છે, તૃણાહારી પ્રાણી માટે પણ પાણીની તેમજ ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સરીસૃપ જનાવર માટે પાંજરામાં ગ્રીન નેટ અને ખળની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે પણ એન્ટ્રીગેટ પાસે ગ્રીન નેટ અને પાણીના ફુવારાની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, તેમજ સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ માટે પીવાના પાણીની પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ તો જુનાગઢ જિલ્લામાં ગરમીએ માઝા મૂકી છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે પ્રાણીઓ માટે પણ ખોરાક તેમજ તેને ગરમી ન લાગે તે માટે પ્રાણી સંગ્રહાલય દ્વારા પણ સવિશેષ સુવિધાથી અહીં આવતા પ્રવાસીઓ પણ ખુશ જોવા મળે છે.









