ગરવા ગિરનારની ગોદમાં મીની કુંભ સમાન મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે. આજે મેળાનો ત્રીજો દિવસ એટલે મેળો મધ્યાહને પહોંચ્યો છે.
ત્રણ દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ શ્રાધ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે. એક તરફ્ હરિહરનો સાદ, બીજી તરફ્ સંતવાણી અને ભજનની રમઝટ વચ્ચે મેળામાં પુણ્યનું ભાથું બાંધવા ભાવિકોનો પ્રવાહ તળેટી તરફ્ જોવા મળી રહ્યો છે. આવતીકાલે અને શિવરાત્રીના દિવસે ખરા અર્થમાં તંત્ર અને પોલીસની કસોટી થશે, કારણ કે, આ છેલ્લા બે દિવસ ભાવિક ભક્તોનો ધસારો વધશે.
જૂનાગઢમાં દત્ત અને દાતારની ભૂમિ ઉપર તા.22 ફેબ્રુઆરીને વદ-9 ના દિવસે સવારે 9 કલાકે ભવનાથ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ અને હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો વિધિવત શુભારંભ થયો હતો. ગઈકાલ બપોર પછી સાંજ ઢળતાની સાથે જ દેશ-વિદેશ અને સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડયા છે. આ ત્રણ દિવસમાં પાંચ લાખ કરતા વધુ ભાવિકોએ મેળામાં સાધુ-સંતોના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
હાલ ભવનાથમાં વિવિધ અખાડાના નાગા સાધુઓ દ્વારા ધુણા ધખાવવામાં આવ્યા છે. સાધુઓએ પણ અનેક વેશ ધારણ કરીને શિવના રૂપમાં અનેક સ્વરૂપ ધારણ કરીને ભાવિક ભક્તોને દર્શન આપી રહ્યા છે. આવા અલૌકિક અને દિવ્ય વાતાવરણમાં લાખો ભાવિકો ઉમટી પડયા છે. ભવનાથમાં મુખ્ય મંદિરની ફ્રતે અને ઝોનલ ઓફ્સિથી લઈને દત્ત ચોક, અને ત્યાંથી ભારતી આશ્રામ અને જુના અખાડા વિસ્તાર સહિતના રવેડી રૂટ ઉપર જ્યાં નજર પડે ત્યાં સાધુ-સંતોના ધુણા દેખાય છે. સમગ્ર વિસ્તારમાં કેસરી ધજાઓ ફ્રકી રહી છે. જય ગિરનારી, હર હર મહાદેવના નાદ સંભળાય રહ્યા છે.
સાથે સમગ્ર તળેટીમાં ધમધમતા 250 જેટલા અન્નક્ષેત્રમાં બપોરે અને સાંજે હરિહરનો સાદ કરીને ભક્તોને ગરમા ગરમ ભોજન-પ્રસાદ પીરસાઈ રહ્યા છે. સાંજ પડે અને ઠેક-ઠેકાણે આશ્રામો અને સંતોના ઉતારામાં સંતવાણીના સુર રેલાઈ રહ્યા છે. અમુક સ્થળે મહિલાઓ અને સત્સંગી મંડળો દ્વારા કરતાલના તાલે ભજનની રમઝટ બોલી રહી છે. આજથી ત્રણ દિવસ જૂનાગઢ-રાજકોટ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડશે. સોનાપુરી સ્મશાનથી પાસ વગરના વાહનોને નો-એન્ટ્રી કરવામાં આવી છે.