- દલિત યુવાનને નિર્વસ્ત્ર કરી ઢોર મારનો કેસ છતા પોલીસે છેક પાંચ દિવસે ગણેશને પકડયો
- જેને ગણેશનાં કેસની તપાસ સોંપાઈ એ DYSP રજા ઉપર ઊતરી ગયા
- મેડિકલ ચેક-અપ બાદ વસ્ત્રો બદલી ઈસ્ત્રી ટાઈટ શર્ટમાં ગણેશનું પોલીસની હાજરીમાં ફોટોસેશન
દલિત પરિવારનાં યુવાનને ઢોર માર મારી નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતારવાના કેસમાં ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહનાં પૂત્ર ગણેશ સામે જૂનાગઢ પોલીસે કડક કાર્યવાહી કરવાને બદલે VIP ટ્રીટમેન્ટ આપતા ઘેરા પડઘા પડયા છે. પોલીસ હિરાસતમાં ગણેશનો ઈસ્ત્રીટાઈટ કપડામાં હસતો ચેહરો અને તપાસનીશ અધિકારી રજા ઉપર ઉતરી જતા પોલીસ ઉપર કેવુ રાજકીય દબાણ છે તે સ્પષ્ટ થઈ જાય છે.
ફરિયાદી પરિવાર આ કેસમાં ન્યાય ઝંખે છે, આખો સમાજ આંદોલનના માર્ગે છે છતા પોલીસની નીતિરીતિએ ગંભીર સવાલો સર્જયા છે. અપહરણ કરનાર 3 આરોપીના બે દિવસના રિમાન્ડ મળ્યા છે. ગણેશ સહિત 8 આરોપીનાં રિમાન્ડ નામંજૂર થતા જેલ હવાલે થયા છે. પોલીસ કહે છે કે રિમાન્ડ માટે તે હાઈકોર્ટમાં રિવીઝન અરજી કરશે. આ કેસનો ઘટનાક્રમ બહુ આશ્ચર્યજનક છે. આ કેસની જેને તપાસ સોંપવામાં આવી હતી તે ડીવાયએસપી જે.કે.ઝાલા પાંચ દિવસની તપાસ બાદ રજા ઉપર ઉતરી ગયા છે. ગણેશની ધરપકડ થઈ ત્યારે જ તેને અપાતી VIP ટ્રીટમેન્ટ દેખાઈ આવી હતી.
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સામે 12 દિવસ પહેલા નોધાયેલા અપહરણ, એટ્રોસિટી, હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ સહિતની કલમો અન્વયેના કેસમાં હજુ સુધી પોલીસને એકપણ ઠોંસ પુરાવો હાથ લાગ્યો નથી. ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલ હથિયારો જેવા કે, પિસ્ટલ, લોખંડનો પાઈપ, જે મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તે પણ કબજે કરાયા નથી. ત્યારે કેસની શરુ આતથી જ આરોપીઓની ધરપકડ સુધી બધું જ ગોઠવણથી આખોયે ઘટનાક્રમ ચાલ્યો આવતો હોય તેવું લાગી રહ્યું છે. એસપીએ સીટની પણ રચના કરી છે, છતાં બનાવના 12 દિવસ પછીયે પોલીસને એકપણ સજ્જડ પુરાવો હાથ લાગ્યો નથી, હજુ સુધી ફરિયાદમાં દર્શાવેલ એકપણ હથિયાર પણ કબજે કરવામાં આવ્યું નથી. ફરિયાદ દાખલ થયેલ ત્યારથી બધું ગોઠવણથી ચાલ્યું આવતું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ જેલમાં રહીને આરોપીની પૂછતાછ કરીને સંતોષ માની રહી છે. પરંતુ હજૂ તો આરોપીના મોબાઈલ અને કપડા કબજે કરવા પૂરતી જ તજવીજ ચાલી રહી છે. કોર્ટમાં રજુ કરતા પહેલા ગણેશ સહિતના આરોપીઓને સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ માટે લઈ જવાયેલા ત્યારે ગણેશે તેણે બ્લુ કલરનું ટીશર્ટ પહેર્યું હતું, અને પછી બે કલાક પછી મિડિયા સમક્ષ અને કોર્ટમાં રજુ કરતા ગણેશે પીળા કલરનો ઈસ્ત્ર્રી ટાઈટ શર્ટમાં જોવા મળ્યો અને તે સમયે તેનું હસતું મુખ જ વધુ બયાન કરી રહ્યું હતું કે તેને કેવી ફેસિલિટી આપવામાં આવી રહી છે.
તપાસમાં પૂર્વ યોજિત કાવતરું હોવાનું ખૂલ્યું છતાં પાછળથી કલમનો ઉમેરો
જૂનાગઢ : તા.31 ના રોજ જયારે ગણેશ સહિતના સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો ત્યારે પોલીસે આઈપીસી કલમ 307, 143, 147, 148, 149, 365, 323, 504, 506(2), હથિયારધારા, એટ્રોસિટીની કલમ લગાડી હતી, પરંતુ સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા આ કેસમાં પૂર્વ યોજિત કાવતરું હોવાની કલમનો ઉમેરો કરવાની માંગ કરી પછી પોલીસ તપાસ દરમિયાન ફ્લિત થયું કે, આરોપીઓ દ્વારા પૂર્વ યોજિત કાવતરું રચી ભોગ બનનારને પોતાના માણસોને અલગ અલગ જગ્યાએ નંબર પ્લેટ કાઢેલ કાર રાખી તેના માણસો ને વોચમાં બેસાડી લોકેશન મેળવી ગોંડલ ખાતે ઉઠાવી જઈ ગુન્હાને અંજામ આપેલ હોય જે બાબતે પાછળથી પોલીસે આઈપીસી કલમ 120 બી નો ઉમેરો કર્યો હતો, તો ફરિયાદ દાખલ કરતી વખતે પોલીસને આ કેમ ના સુઝયું.
ગણેશ સહિતના 11 આરોપીઓ સિવાયના અન્ય કોણ ?
જૂનાગઢ : ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેને અલગ અલગ જગ્યાએ માર મારેલ હોવાનું જણાય આવે છે. જેથી હાલના આરોપીઓ સિવાયના અન્ય કેટલા ઈસમો આ કેસમાં સંડોવાયેલા છે, ફરિયાદીને કારમાં ગોંડલ બાજુ લઈ જતા હતા ત્યારે એક આરોપીએ ફરિયાદીને પોતે પોલીસ હોવાની ઓળખ આપેલ હતી. જે હકીકત મુજબ આ આરોપી કોણ હતો, અથવા તે ખરેખર કોઈ પોલીસ કર્મચારી હતો કે કેમ ? તે મુદ્દે હજુ સુધી તપાસમાં કાઈ સામે આવ્યું નથી.
પોલીસ કેમ ગણેશને લાડકવાયાની જેમ પંપાળે છે ? : મેવાણી
ગણેશને પોલીસ દ્વારા અપાતી ટ્રીટમેન્ટ અંગે જીજ્ઞેશ મેવાણી કહે છે કે ગંભીર ગૂનાના આરોપી સાથે પોલીસ એવું વર્તન કરી રહી છે કે જાણે તેને કોઈ પદક ના મળ્યો હોય ? લાડકવાયાની જેમ પંપાળવાને બદલે કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસ તંત્રને સમાજ તરફથી આંદોલનનો કોલ ના આવે ત્યા સુધી ગૂનો પણ દાખલ થતો નથી.