ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવામાં આવ્યો છે. એક તરફ ચોમાસાની સિઝન આવી ગઈ છે તો બીજી તરફ જુનાગઢ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે વાવેતર કરવા માટે ખાતરની અછત છે જેને લઈને કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
જગતનો તાત ચિંતામાં મુકાયો
દર કરતા આ વર્ષે ચોમાસુ વહેલું બેસી ગયું છે અને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ સાથે 3 દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ફરી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. કેશોદ તાલુકાના અજાબ ગામના ખેડૂતો દ્વારા કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. કારણ કે વાવણી કરવા માટે ખાતર નથી અને આ વિસ્તાર મગફળી તેમજ કપાસ માટે ખૂબ જ અનુકૂળ વિસ્તાર હોવાથી જો ખાતર નહીં મળે તો ખેડૂતોને નુકસાની જશે. સાથે જ ખેડૂતો રજૂઆત કરી છે કે, પહેલા વરસાદ બાદ જ વાવણી શક્ય બનશે. જો ખાતર નહીં મળે તો વાવણી થઈ શકશે નહીં.

કૃષિ મંત્રી પાસે ખેડૂતોએ કરી માગ
રાજ્યના અનેક ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તેથી ખેડૂતો ચિંતિત થયા છે કે, યોગ્ય સમયે ખાતર નહીં મળે તો વાવણીને પણ અસર થશે. ત્યાર બાદ જે ઉત્પાદન આવશે તેમાં પણ અસર જોવા મળશે. જેથી આ અંગે અજાબ ગામના સરપંચ દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને તાત્કાલિક ખાતર મંડળીઓમાં અથવા તો ડેપોમાં પૂરું કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.