રાજકારણમાં કહેવાય છે કે જે પક્ષ બુથ જીત્યો તે સીટ જીત્યો. કડી વિધાનસભા સીટ પર હાર અને જીતના દાવા થઈ રહ્યા છે. પરંતુ વિધાનસભા સીટ પર હાર -જીત કેવી રીતે નક્કી થાય છે, તેના પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે એ પણ રસપ્રદ છે. ત્યારે કડી વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ માટે પડકારરૂપ શું છે, ભાજપ અને કોંગ્રેસ કયા વધારે મહેનત કરે છે. જોઈએ આ વિશ્લેષણાત્મક અહેવાલમાં.


[[$googlead]]

કડી વિધાનસભા બેઠકમાં જીત કેવી રીતે નક્કી થાય છે?

વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના આધારે જે વિશ્લેષણ સામે આવ્યું છે, તેના પરથી કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરિણામ કેવા હશે તેનું અનુમાન લગાવી શકાય છે. કડી વિધાનસભામાં કુલ 307 બુથ પર મતદાન થાય છે. વર્ષ 2022ના આંકડા મુજબ આ વિધાનસભા બેઠક પર 8 ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા. જેમાં મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવાર તરીકે ભાજપમાંથી કરસન સોલંકી, કોંગ્રેસમાંથી પ્રવિણ પરમાર અને આમ આદમી પાર્ટીમાંથી હરગોવન ડાભી સીધી જંગમાં હતા. ભાજપના કરસન સોલંકીને 1,07,052 મત, કોંગ્રેસના પ્રવિણ પરમારને 78,858 મત, જ્યારે આપના હરગોવન ડાભીને 7,253 મત મળ્યા હતા. આ બેઠક પર 2,00,394 મત પડ્યા હતા. જેમાં 1,97,774 માન્ય મત હતા, 115 મત રિજેક્ટ થયા હતા, જ્યારે 2,505 લોકોએ નોટા બટન દબાવ્યું હતું. જે મતદાન થયું હતું એમાં કઈ પાર્ટીને કયા બુથમાં કેટલી સંખ્યામાં મત મળ્યા તેનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ સમજવા જેવું છે.

[[$alsoread]]

2022માં ભાજપે જીતી હતી આ સીટ

વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીના પરિણામોને આધારે ભારતીય જનતા પાર્ટીએ વિજય તો મેળવી લીધો હતો, પરંતુ ધારાસભ્યનું અવસાન થતા ફરીથી પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટી માટે ફરીથી એક વખત પ્રજાનો વિશ્વાસ મેળવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્રણેય પાર્ટી માટે વાત કરીએ તો 307 બુથ પૈકી કુલ 24 બુથ એવા છે, જે ભારતીય જનતા માટે સંવેદનશીલ કહી શકાય. સંવેદનશીલ એટલે કે આ 24 બુથ પર ભાજપને 100 કરતા ઓછા મત મળ્યા છે. કુલ 24માંથી 10 બુથ તો એવા છે જેમાં 50 કરતાં પણ ઓછા મત મળ્યા છે, ત્યારે ભાજપ આ બુથ પર સૌથી વધારે મતદાન થાય તે માટે પ્રયત્ન કરશે અને આ જ કારણે ભાજપ આ 24 બુથ પર તનતોડ મહેનત કરી રહ્યું છે. જો કે કુલ 307 બુથ પૈકી 103 બુથમાં ભાજપને 400 કરતા વધારે મત મળ્યા છે.

બંને પક્ષો માટે ચિંતાનો વિષય એક સરખો જ

વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે ભલે જીત મેળવી, પરંતુ કોંગ્રેસને 78,858 મત મળ્યા હતા. આ તમામ મતમાં 307 બુથ પૈકી 64 બુથમાં કોંગ્રેસને 400 કરતા વધારે મત મળ્યા છે. જો કે ભાજપની જેમ કોંગ્રેસ માટે પણ ચિંતાનો વિષય પણ એક સરખો જ છે. વધારે મતદાન કરાવવું. કેમ કે વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને 50 કરતાં ઓછા મત મળ્યા હોય એવા બુથની સંખ્યા 42 છે, જ્યારે 51થી 100 મત મળ્યા હોય એવા બુથની સંખ્યા 36 છે. આમ, 78 બુથ એવા છે કે જેમાં કોંગ્રેસને 100 કરતા ઓછા મત મળ્યા છે. કોંગ્રેસ માટે આવા સંવેદનશીલ બુથ પર મતદારોને રીઝવવા માટે પ્રયાસ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેથી પરિણામમાં સુધારો આવી શકે. ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણી જીતવા તમામ રાજકીય પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. જો કે તમે જોયું કે કડી વિધાનસભા બેઠક પર ભાજપ માટે 24 બુથ અને કોંગ્રેસ માટે 78 બુથ અત્યંત મહત્વના છે જે હાર-જીતનો ફેંસલો કરી શકે એવા છે.


  • Follow us on: