- રવિવાર બાદ બીજા દિવસે માવઠાથી લોકો હેરાન
- આજે 27 તાલુકામાં વરસાદ નોંધાયો હતો
- તાપી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
રાજ્યમાં રવિવારે જોરદાર માવઠું થયા બાદ આજે બીજા દિવસે પણ માવઠું ચાલુ રહ્યું હતું. આજે 27 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સવારે 6 થી રાત્રિના 8 સુધીમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 1.96 ઈંચ, તાપીના કુકુરમુંડામાં 1.8 ઈંચ નોંધાયો હતો. તે સિવાય નવસારીમાં 20 મીમી, ચીકલીમાં 17 મીમી, સુબીરમાં 15 મીમી, જલાલપોરમાં 12, લાખણીમાં 11 મીમી વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લામાં સોમવારે બપોરે 2-00 વાગ્યા બાદ કપરાડા તાલુકાના ઉપરવાસના ગામોમાં બપોરે 2 કલાકમાં 20 મિમી વરસાદ નોંધાયો હતો. રવિવારે કમોસમી વરસાદે બઘડાટી બોલાવ્યા બાદ બીજા દિવસે સોમવારે દિવસ દરમિયાન સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. સુરતમાં સવારે વાદળો હતા પરંતુ બપોરે આકાશ ખુલ્લું થયું હતું. સોમવારે માત્ર ઝાપટા વરસ્યા હતા. સુરત શહેરમાં વીતેલા 24 કલાકમાં 5.12 ઈંચ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ સાથે ઝાકળ વર્ષા
કમોસમી વરસાદ બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હવામાનમાં ખાસ્સો ફેરફાર જોવા મળ્યો છે. પોરબંદરમાં લઘુત્તમ તાપમાનનો પારો એક જ દિવસમાં 5.2 ડિગ્રી જેટલો ગગડી ગયો હતો. સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીથી નીચું રહ્યું હતું. રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી ગગડયો હતો. સૌરાષ્ટ્રભરમાં પરોઢિયે ગાઢ ધુમ્મસ છવાયું હતું. રાજકોટમાં સ્થિતિ એવી હતી કે પ્રાતઃ કાળે 100થી 150 મીટર દૂર સુધીનું પણ સ્પષ્ટ દેખાતું ન હતું. જૂનાગઢમાં માવઠા બાદ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. સવારે ઝાકળ છવાયું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ કરતાં મોડું શરૂ થયું હતું અને વિદાય પણ મોડી થવા પામી હતી. ચોમાસાની વિદાય બાદ પવનની દિશા બદલાઇ જાય છે અને સામાન્ય ભાષામાં કહીએ તો ભુર ફૂંકાવવા લાગે છે. આવા સમય દરમ્યાન તાપમાન સામાન્ય રહેતુ હોય છે. ગુજરાતમાં ઠંડીની શરુઆત સામાન્ય રીતે તો ઓક્ટોબરના અંતથી થઇ જતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે સાઈક્લોન સર્ક્યુલેશન સર્જાતાં માવઠું પડયું હતું. જૂનાગઢમાં હાલ ગુલાબી ઠંડી બાદ ખરા અર્થમાં શિળાયું ઋતુની શરૂઆત થતી જોવા મળી રહી છે.