કરજણ પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદનો ત્રીજો રાઉન્ડ ગતરાત્રિના વાવાઝોડા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. વાવાઝોડામાં નવા બજાર વિસ્તારમાં આવેલ એપીએમસી અને શાકમાર્કેટ વચ્ચે લીમડાનું મોટું ઝાડ તૂટી પડયું હતું. વીજપોલ ઉપર લીમડાનું ઝાડ પડતા રોડ બ્લોક થઇ ગયો હતો. જો કે, રાત્રિના સમયે ઘટના બનતા જાનહાનિ થઇ નથી.
કરજણ પંથકમાં સતત ત્રણ વખત કમોસમી વાવાઝોડા સાથે વરસાદ પડતા ખેડૂતો અને લગ્નપ્રસંગોવાળા હેરાન પરેશાન થઈ ગયા હતા. અગાઉ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના તૈયાર થયેલ પાકોને ભારે નુકસાન થયેલું છે. આંબાવાડીમાં કેરીનો પાક અને કેરીના ઝાડો પણ તૂટી પડેલ છે. કેટલાક ગામોમાં ઘરોના છાપરા પણ ઉડી ગયા હતા. ગત રાતે ગાજવીજ અને વાવાઝોડા સાથે ધમાકેદાર વરસાદ પડતા અવર-જવરથી ભરચક નવાબજાર વિસ્તારમાં સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા, એપીએમસી અને શાકમાર્કેટ આવેલ છે. વિશેષમાં તે રોડ ઉપરથી નેશનલ હાઈવે અને જુનાબજાર જતા વાહન ચાલકોની ભારે ભીડ જામે છે. તે વિસ્તારમાં એપીએમસી અને શાકમાર્કેટ વચ્ચે ઘટાદાર લીમડાનું ઝાડ વીજપોલ ઉપર પડતા વીજ વાયર સહિત પોલ ધરાશાયી થયો હતો. રાત્રિના ઘટના બનતા કોઇ જાનહાનિથી થઈ નથી. ઝાડ અને વીજપોલ રોડ પર પડતા રોડ બ્લોક થઈ ગયો હતો. તાત્કાલિક વીજ પાવર બંધ કરાવીને કરજણ ફાયર બ્રિગેડના જવાનોએ ઝાડ કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો.










