ખ્યાતિ કાંડના મુખ્ય સુત્રધાર કાર્તિક પટેલ આખરે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.ખ્યાતિ કાંડ બન્યા બાદ કાર્તિક પટેલ છેલ્લા 2 મહિનાથી ફરાર હતો અને વિદેશમાં છુપાયેલો હતો,સાથે સાથે કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતા અને તેના તમામ સાગરિતો ઝડપાઈ જતા તેની સાથે અન્ય કોઈ વિકલ્પ હતો નહી.તો ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેને ઝડપી પાડયો છે.સંદેશ ન્યૂઝે કર્યો હતો ખ્યાતિ કાંડનો પર્દાફાશ,આજે વહેલી સવારે 4 વાગે ઝડપાયો આરોપી.
કાર્તિક પટેલના વકીલે પીડિતોને વળતર આપવાની તૈયારી દર્શાવી હતી
અમદાવાદનાં ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં હોસ્પિટલનાં સંચાલક કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલે વચ્ચે જબરદસ્ત દલીલ થઈ હતી. કાર્તિક પટેલનાં વકીલે દલીલ કરી હતી કે, હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી, જેમાં લોકોનાં જીવ ગયા. જે થયું તે દુઃખદ છે. પણ શું આ પ્રકારની ઘટના માટે ડાયરેકટર જવાબદાર હોઈ શકે ? મેડિકલ બેદરકારીનાં કિસ્સામાં ડાયરેક્ટરની જવાબદારી સામે વકીલે સવાલ ઉઠાવ્યા હતા. કાર્તિક પટેલના વકીલે SC અને ગુજરાત હાઇકોર્ટનાં જુદા-જુદા ચુકાદાનાં આધારે દલીલો કરી હતી. ઉપરાંત, કાર્તિક પટેલના વકીલ દ્વારા પીડિતોને વળતર આપવાની પ્રાથમિક તૈયારી પણ દર્શાવવામાં આવી હતી.

કાર્તિક પટેલે સોસાયટીના પ્લોટ ગેરકાયદેસર રીતે વેચાણ કર્યા છે
કાર્તિક પટેલે પાર્ક લેન્ડ એવન્યુ સોસાયટીના અમુક પ્લોટ ગેરકાયદે રીતે વેચવામાં આવ્યા હતા સાથે સાથે કાર્તિક પટેલે જૂના સભ્યોના પ્લોટમાં કપાત કરી ઠગાઈ આચરી હતી તો વર્ષ 2018-2019ના ઓડિટ રિપોર્ટમાં કાર્તિક પટેલના નામે 4.09 કરોડની લોન પણ હોવાની વાત સામે આવી છે,વર્ષ 2019-2020ના ઓડિટ રિપોર્ટમાં 50 લાખની ખોટ બતાવવામાં આવી હતી,સોસાયટીના જૂના સભ્યોએ ફરિયાદ કરતા વિગતો સામે આવી છે.મૂળ મંડળીનો સભ્ય ન હોવા છતા કાર્તિક પટેલે લોન લીધી હતી અને ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રારે તપાસના પણ આદેશ આપ્યા હતા તો યોગ્ય તપાસ ન થતાં સોસાયટીના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તમામ સ્ટાફને પ્રેશર આપીને નફો લાવવાનો કાર્તિક પટેલનો હતો ઉદ્દેશ
હોસ્પિટલમાં તમામ લોકોને પ્રેશર આપીને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ હતો. ચેરમેન, ડાયરેક્ટરની મિટિંગમાં ફ્રી કેમ્પ યોજવા માર્કેટિંગ ટીમને કાર્તિક પટેલ ફોર્સ કરતો હતો અને હોસ્પિટલમાં આર્થિક વ્યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ ચાલતો હતો. ખ્યાતી હોસ્પિટલના ચેરમેન અને ડાયરેક્ટરના નાણાકીય વ્યવહાર લઈને આર્થિક વ્યવહારમાં ગુનાહીત કાવતરાનો મુખ્ય સુત્રધાર કાર્તિક પટેલ છે. કાર્તિક પટેલ સામે નાણાકીય વ્યવહારના દસ્તાવજ જપ્ત કરવાના હોવાથી જામીન ન આપી શકાય તેવી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટને વિનંતી પણ કરી છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ નાણાકીય વ્યવહારનો લાભ અને સરકારી સુવિધાઓનો લાભ મેળવવા પ્લાનિંગ કરતો હતો. આ સાથે જ કોર્ટમાં કરેલા એફિડેવિટમાં ક્રાઈમ બ્રાન્ચે અનેક મુદ્દાઓ રજૂ કર્યા છે. આ સાથે જ 7 સાક્ષીઓના નિવેદન લેવા માટે કલમ 183 મુજબ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં અરજી કરી હતી.









