• ગીતાગાન દ્વારા જ્ઞાનદાતા યોગેશ્વરની સ્વાધ્યાય પરિવારે કરી ઉજવણી
  • બેચરાજીના ગાંભુના રણછોડરાય મંદિરમાં કૃષ્ણભકતોની ભીડ ઉમટી
  • મટકીફોડના કાર્યક્રમો યોજાયા, રમતોત્સવમાં વરસાદે પાડયો ભંગ

મહેસાણા જિલ્લામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સાંજે કૃષ્ણ ભગવાનની પાલખી સાથે નીકળેલા યુવાનો અને યુવતીઓ શેરી શેરીએ નીકળ્યાં હતાં અને ભકતોને યોગેશ્વર ભગવાનનાં દર્શનનો લાભ આપ્યો હતો. રાત્રે મટકી ફોડ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા. જયારે રમતોત્સવ જેવા પ્રસંગોમાં વરસાદે ભંગ પાડયો હતો. મંદિરોમાં મધરાતે 12.00 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. દિવસભર કાનુડાની ભકિતનાં ગીતો ગૂંજતાં રહ્યાં હતાં. ઈસ્કોન મંદિરમાં સેંકડો કૃષ્ણ ભકતોની ઉપસ્થિતિમાં બાળકૃષ્ણની છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાંક મંદિરોમાં આતાશબાજી કરી કૃષ્ણ જન્મને વધાવવામાં આવ્યો હતો.


બેચરાજી તાલુકાના ગાંભુ ખાતે રણછોડરાયજીના મંદિરમાં જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. સવારથી જ કૃષ્ણ મંદિરમાં ભકતોની ભીડ ઉમટી હતી અને મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારોના માલધારી બહુમત વસતી ધરાવતા નેસડાઓમાં રબારણોએ કાનુડાનાં ગીતો ગાયાં હતં. આમ, ગીતા ગાન દ્વારા સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ઊંચાઈ ઉપર લઈ જનાર યોગેશ્વર ભગવાનના આ પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી. પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય પરિવારના સેવકોએ જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ભાવમય ઉજવણી કરી હતી. જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરી અને ગ્રામીણ વિસ્તારો કૃષ્ણમય બન્યા હતા.


ઈસ્કોન મંદિરમાં થઈ ભવ્યાતિભવ્ય ઉજવણી

મહેસાણા નજીક બાયપાસ હાઈવે ઉપર આવેલા ઈસ્કોન મંદિરને જન્માષ્ટમી પર્વ નિમિત્તે શણગારવામાં આવ્યું હતું. જો કે, ઈસ્કોન મંદિર સમગ્ર વર્ષ દરમ્યાન કૃષ્ણભકિતના રંગમાં રંગાયેલું રહે છે. પરંતુ, શુક્રવારે ઈસ્કોન મંદિર અને ભકતજનો કૃષ્ણમય બન્યા હતા. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. બાળકૃષ્ણને હિંડોળે ઝુલાવવામાં આવ્યા હતા. યોગેશ્વર ભગવાન શ્રાીકૃષ્ણના આ મહાપર્વની ઉજવણી સવારથી જ શરૂ કરાઈ હતી.


  • Follow us on: