- એપલ કંપનીએ પોતાના ફોન, આઇપેડ અને મેકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે. એપલે કહ્યું છે કે, હવે નવા ફિચરો નવી સ્ટાઇલ સાથે જોવા મળશે. મોબાઇલની દુનિયા જબરજસ્ત કરવટ લઇ રહી છે
- એપલના એઆઇના ઉપયોગ સામે ટેસ્લા કંપનીના માલીક એલન મસ્કે વાંધો ઉઠાવ્યો છે. મસ્કે કહ્યું કે, એપલ એઆઇનો ઉપયોગ કરીને ગેરવાજબી પગલું ભરે છે. હું મારી કંપનીમાં એપલના ઉપયોગ પર પ્રતિબંધ લાદીશ! એપલ પોતાના નિર્ણયોમાં મક્કમ છે!
એપલ કંપનીએ પોતાના મોબાઇલ ફોન, આઇ પેડ અને અન્ય મેકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉમેરો કરતા ટેકનો વર્લ્ડમાં જબરજસ્ત હલચલ મચી છે. દુનિયાના ટેક્નો એક્સપર્ટસ આ ઘટનાને કમ્યુનિકેશનની દુનિયાનું ક્રાંતિકારી પગલું ગણાવે છે. જો કે, ટેસ્લા કંપનીના એલન મસ્ક સહિત કેટલાંકને એપલના આ પગલાં સામે પ્રોબ્લેમ છે. મસ્કે પોતાની કંપનીમાં એપલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ધમકી સુદ્ધાં આપી છે. એપલે એઆઇ ઇન્ટ્રોડ્યુસ કરવાની સાથે એવી ખાત્રી આપી છે કે, લોકોની પ્રાયવસીનું રક્ષણ થશે. કંપનીનું તો ત્યાં સુધીનું કહેવું છે કે, પ્રાયવસી વધુ સુદ્રઢ થશે. અલબત્ત, ઘણા લોકોને આ વાત ગળે ઉતરતી નથી. એપલે નવું શું કર્યું છે? એપલે પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં એઆઇ સામેલ કર્યું છે. ફોનને એઆઇ સાથે જોડવા માટે એપલે ચેટજીપીટી બનાવનાર કંપની ઓપનએઆઇ સાથે કોલાબોરેશન કર્યું છે. એપલ જે એઆઇની વાત કરે છે એને એ આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ નથી કહેતું પણ એપલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાવે છે. એપલના સીઇઓ ટીમ કૂકે કહ્યું કે, એપલમાં એઆઇ ગેમ ચેન્જર સાબિત થશે. એપલ ફોન, આઇપેડ અને મેકના યૂઝર્સને એક અનોખો જ અનુભવ મળશે. એપલમાં હવે નવા રાઇટિંગ ટૂલ્સ, ઇમેજ ક્રિએટ સહિતના કામો વધુ સરળ બનશે. એપલની વાઇસ આસિસ્ટન્સ સીરી હવે વધુ એક્ટિવ બનશે અને દરેક વાતોના વધુ સારી રીતે જવાબ આપશે. સીરીને અત્યારે અમુક ટોન ઓળખવામાં મુશ્કેલી પડે છે. એપલ યુઝર્સે સીરી સમજે એવી લેન્ગવેજમાં બોલવું પડે છે. નવી સિસ્ટમ બાદ સીરી બોલચાલની ભાષા પણ સમજી શકશે. સીરી હવે બીજી એપ્લિકેશનમાં પણ મદદ કરશે. સીરીને જે ટાસ્ક આપશો એ એની રીતે જ પૂરો કરી દેશે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો સીરી હવે વધુ યુઝર્સ ફ્રેન્ડલી બની જશે. સીરી સામે એવા આક્ષેપો હતા કે, તેના કરતા એલેક્સા અને બીજા વોઇસ આસિસ્ટન્સ વધુ સરળ છે. હવે સીરી વધુ સ્માર્ટ બની જવાની છે. સીરી પાસે યુઝર્સ ફોટા પણ એડિટ કરાવી શકશે. સીરી મેસેજ પણ ટાઇપ કરી આપશે. ગેલેરીમાંથી જે કહો એ સીરી શોધી આપશે. એપલ ઇન્ટેલિજન્સ પાવર ઓફ જનરેટિવ મોડેલ્સ છે. ઓવરઓલ એપલની આખેઆખી ઓપરેટિંગ સિસ્ટમમાં જ પરિવર્તન જોવા મળશે. એપલમાં એઆઇ ઇનબિલ્ટ હશે. એઆઇથી મેલ, નોટ્સ અને પેજિસમાં પણ ઘણું બધું નવું જોવા મળશે. જે લોકો પાસે અત્યારે એપલ ફોન છે એને અપડેટ દ્વારા નવી સુવિધા મળશે.
એપલ કંઇકને કંઇક નવું કરતું રહેવા માટે જાણીતું છે. એપલ કંઇ કરે એટલે બીજી કંપનીઓ પણ તેને ફોલો કરવાની છે. એપલના પગલે ધીમે ધીમે દરેક કંપનીઓમાં નવી સિસ્ટમ જોવા મળશે. એપલની સૌથી મોટી ખૂબી યુઝર્સની પ્રાયવસી છે. બીજી કંપનીઓ વધુ સુવિધા આપવા માટે લોકોની પ્રાયવસી સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે. ચાઇનીઝ કંપનીઓ તો જરાયે વિશ્વાસપાત્ર નથી. એઆઇ પછી પણ એપલ વધુ પ્રાયવસીનો દાવો કરે છે પણ ઘણાને તેની સામે શંકા છે. બીજી વાત એ છે કે, એક તરફ આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગને મર્યાદિત કરવાની વાતો થઇ રહી છે ત્યારે બીજી તરફ દરેક કંપનીઓ એઆઇ તરફ વળી રહી છે.










