કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં જે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું તેના મહત્વપૂર્ણ ભાગ ભાવનાર ભુજ એરબેઝ સ્ટેશનની મુલાકાત લેવા માટે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ 16 અને 17મેના રોજ કચ્છ આવી રહ્યા છે અને તેમની સંભવિત મુલાકાત નલિયા એરબેઝ ખાતે પણ હોઈ શકે છે. આ મુલાકાત દરમિયાન રક્ષામંત્રી જવાનોને મળશે અને સાથે સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા પણ કરશે.


રાજનાથ સિંહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે

પાકિસ્તાનના આતંકવાદીઓ સામે ભારતની ત્રણેય સેના દ્વારા ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે. ભારતની સેનાઓએ પાકિસ્તાનના એરબેઝ તેમજ વિવિધ ડ્રોન હુમલાને તોડી પાડીને પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે આગળ આવ્યું અને બંને દેશ વચ્ચે યુદ્ધવિરામનો નિર્ણય લેવાયો હતો. આ યુદ્ધવિરામ વચ્ચે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવવાના છે.

રાજનાથ સિંહ કચ્છની ભારત-પાકિસ્તાન સરહદની લેશે મુલાકાત

રાજનાથસિંહ 16 અને 17 મેના રોજ ભુજ સ્થિત એરબેઝની મુલાકાત લેશે અને જવાનો સાથે વાતચીત કરશે. રક્ષામંત્રીની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન એર કમાન્ડના વડા પણ હાજર રહેશે. રાજનાથસિંહ કચ્છની ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાત લેશે તો સાથે જ એરફોર્સ, બીએસએફ અને આર્મીના અધિકારીઓને મળીને પણ ચર્ચા વિચારણા કરી શકે તેવી શક્યતા છે. કચ્છમાં જે આંતરરાષ્ટ્રીય સરહદ છે તેની મુલાકાત તથા ક્રીક વિસ્તારની મુલાકાત લઈને સુરક્ષાની પણ સમીક્ષા તેઓ કરી શકે છે.

 ભારતની એર ડિફેન્સ સીસ્ટમે પાકિસ્તાનની યોજનાઓને નિષ્ફળ બનાવી

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય તણાવ દરમિયાન પાકિસ્તાની સેનાએ ડ્રોનની મદદથી ભુજના એરબેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતની એર ડિફેન્સ સિસ્ટમની મદદથી પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ સતત નાકામયાબ થયા હતા. તો ભુજના એરબેઝ અને પાસેના નાગોર ગામ તથા નલિયા એરબેઝ પર પણ ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભારતની એર ડિફેન્સ સીસ્ટમે પાકિસ્તાનની યોજનાઓને નિષ્ફળ બનાવી હતી. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં ડ્રોન-મિસાઇલ અને આતંકી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂરમાં એર સ્ટ્રાઇક કરીને મુહતોડ જવાબ આપ્યો હતો. આવતીકાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ ભુજ આવશે અને ભુજ એરબેઝ ખાતે જવાનો મળી સેનાનું મનોબળ વધારશે..


  • Follow us on: