પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ સર્કલ ઓહેઠળ આવતાં ડિવિઝન અને સબ ડિવિઝનમાં વીજ બિલ પેટે બાકી લેણાની વસૂલાત સપ્ટેમ્બર માસથી કરી દેવામાં આવી હતી. આ માટે તમામ સબ સ્ટેશનોમાં મળીને કુલ ૨૫૦થી ૩૦૦ જેટલી ટીમોને દોડાવામા આવી હતી. જેનાં પગલે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બાકીદારો પાસેથી રૂ. ૬૦.૫ કરોડની વસૂલાત કરવામાં સફળતા મળી છે. જોકે, હજુ પણ રૂ. ૨૫.૮૭ કરોડની વસૂલાત બાકી છે, જે આગામી દિવસોમાં પૂર્ણ કરી લેવામાં આવશે.
આ બાબતે પશ્ચિમ કચ્છ પીજીવીસીએલનાં વડા બી.સી. રાઠોડે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન વીજ બિલ લેણાની વસૂલાતની કામગીરી ચોમાસા બાદ તુરંત એટલે કે સપ્ટેમ્બર -૨૦૨૪થી જ શરૂ કરી દેવામાં આવી હતી. પિૃમ કચ્છ પીજીવીસીએલ સર્કલ હેઠળ આવતાં ભુજ, નખત્રાણા અને માંડવી ડિવિઝનમાં આવતાં ૧૯ સબ ડિવિઝનો હેઠળ આવતાં અંદાજિત ૪, પ૦,૦૦૦ જેટલા ગ્રાહકો પૈકી વીજ બિલ પેટે મોટી રકમ બાકી હોય તેવા ગ્રાહકો પાસેથી રૂ. ૮૬.૩૭ કરોડની વસૂલાત માટે ધોંસ બોલાવવામાં આવી હતી. આ માટે તમામ સબ ડિવિઝનોમાં અંદાજિત ૨૫૦થી ૩૦૦ જેટલી ટીમોને દોડતી કરવામાં આવી હતી.
વીજ કનેક્શન ધારકો પાસે વીજ બિલની બાકી રકમ વસૂલવા માટે વીજ કર્મચારીઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે પ્રયાસને સારી એવી સફળતા મળી હતી. કારણ કે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બાકી વીજ બિલ પેટે મોટા હાઇપાવર કનેક્શનનાં ૭૧૯૮.૫૩ કરોડની વસૂલાત થવા પામી છે. ખાસ કરીને રેસિડેન્ટ વીજ કનેક્શન ધરાવતાં ૧૫,૭૨૭ ગ્રાહકો પાસેથી રૂ. ૧૧.૦૯ કરોડની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે સ્ટ્રીટલાઇટ સંદર્ભે ૩૩૩ ગ્રાહકો પાસેથી રૂ. ૮૨.૦૫ લાખ અને કોમર્શિયલ વીજ કનેક્શન ધરાવતાં ૪,૨૯૦ ગ્રાહકો પાસેથી રૂ. ૩.૩૬ કરોડની વસૂલાત કરવામાં આવી છે.
આ સિવાય ખેતીવાડી માટે વીજ કનેક્શન ધરાવતા ૭,૮૯૬ ગ્રાહકો પાસેથી રૂ. ૭.૮૦ કરોડની અને ટેમ્પરરી કનેક્શન અંતર્ગત ૧૩૩ ગ્રાહકો પાસેથી રૂ. ૧૦ લાખની વસૂલાત કરવામાં સફળતા મળી છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, હજુ પણ પીજીવીસીએલ દ્વારા રૂ. ૨૫.૮૭ કરોડની વીજ કનેક્શન ગ્રાહકો પાસેથી રકમ વસૂલવાની બાકી છે,.આ માટે પણ વિભાગની ટીમો દ્વારા સતત પ્રયાસો હાથ ધરીને મહતમ રકમ રિકવરી થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
માર્ચ માસમાં વીજ કર્મચારીઓને વધુ કસરત કરવી ન પડી
સામાન્ય રીતે પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ દ્વારા વીજ બિલ પેટે બાકી રકમ હોય તેવા ગ્રાહકો પાસેથી વસૂલાતની કામગીરી દિવાળી બાદ એટલે ઓક્ટોબર-નવેમ્બરથી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે સપ્ટેમ્બર માસથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ માટે તમામ સબ સ્ટેશનો વાઇઝ વસૂલાત માટેની કુલ ૨૫૦થી ૩૦૦ જેટલી ટીમો ઊભી કરી દેવામાં આવી હતી. જેના પગલે માર્ચ મહિનામાં છેલ્લી ઘડીએ વસૂલાતને લઇનેવીજ કર્મચારીઓને વધુ કસરત કરવી પડી ન હતી.
પાલિકાએ રૂ. ૬૩ કરોડનાં વીજ બિલ સામે રૂ. ૪૪ કરોડ ભર્યા
ભુજ નગરપાલિકા પાસેથી પીજીવીસીએલ દ્વારા વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઇટ પેટે રૂ. ૬૩ કરોડની વસૂલાત કરવાની બાકી હતી. જોકે, પાલિકા દ્વારા હાલે રૂ. ૬૩ કરોડમાંથી રૂ. ૪૪ કરોડની રકમ વીજ બિલ પેેટે ભરપાઇ કરવામાં આવી છે. હજુ પણ પાલિકા પાસે રૂ. ૧૯ કરોડ બાકી બોલી રહ્યા છે, જેની પણ આગામી દિવસોમાં ભરપાઇ કરવાની પાલિકા દ્વારા ખાતરી અપાઇ છે. પરિણામે પીજીવીસીએલ દ્વારા પાલિકાનાં વોટર વર્કસનાં કનેક્શન કે સ્ટ્રીટ લાઇટનાં કનેક્શન કાપવાની જરૂર પડી ન હતી.
વીજ બિલ પેેટે મોટી રકમ બાકી હોય તેવા ગ્રાહકો સુધી ટીમો પહોંચી
માર્ચ માસનાં પ્રારંભ સાથે જ પીજીવીસીએલની ટીમ દ્વારા રોજનાં રૂ. ૧૦ કરોડની વસૂલાતનાં ટાર્ગેટ સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ માટે ડોર ટુ ટોર જઇને વીજ બિલોની ભરપાઇ માટે લોકોને સમજાવીને બાકી વીજ બિલો ભરાવામાં આવ્યા હતા. જોકે, ટીમ દ્વારા વીજ બિલ પેટે મોટી રકમ બાકી હોય તેવા ગ્રાહકો પાસેથી વસૂલાતને પ્રાથમિક્તા આપવામાં આવી હતી. જેના પગલે મોટાભાગનાં મોટા બિલોની ભરપાઇ થઇ ગઇ, પરંતુ હજારથી લઇને બે હજાર રૂપિયા સુધી બાકી હોય તેવા ગ્રાહકો સુધી ટીમો પહોંચી નથી. જેના કારણે હજુ પણ રૂ. ૨૫.૮૭ કરોડની વસૂલાત બાકી બોલી રહી છે.