- બોરસદ-તારાપુર સ્ટેટ હાઈવે પર આવેલા નાર ઓવરબ્રિજ ઉપર મધરાતે હિટ એન્ડ રન
- બસને ટક્કર મારી ટ્રક ફરાર,બસમાં 31 જેટલા મુસાફરો હતા : મોટી જાનહાનિ ટળી
- પેટલાદ રૂરલ પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી
બોરસદ-તારાપુર સ્ટેટ હાઈવે પર આવેલા નાર ગામના ઓવરબ્રિજ ઉપર પુરપાટ ઝડપે જતી ટ્રકે આગળ જતી એસટી બસની ઓવરટેકની લ્હાયમાં ટક્કર મારતાં બસ ડિવાઈડર સાથે ભટકાઈ હતી જેમા ડ્રાઈવર સહિત દશ જેટલા મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. જોકે એસટી બસના ચાલકની સમયસૂચકતાને કારણે સદનસીબે મોટી જાનહાની ટળવા પામી છે. અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ત્યાંથી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. પેટલાદ રૂરલ પોલીસે આ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના ડુંગરગામ ખાતે રહેતા અને એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ફરિયાદી નટવરભાઈ ચંદુભાઈ રાઠવા 31મી તારીખના રોજ સાંજના છ વાગ્યાના સુમોર છોટાઉદેપુરના કવાંટ ખાતેથી બસ નંબર જીજે-18, ઝેડ-7283માં 31 જેટલા મુસાફરો ભરીને ગારિયાધાર જવા માટે નીકળ્યા હતા. એસટી બસ મધ્યરાત્રિના સવા બારેક વાગ્યાના સુમારે બોરસદ-તારાપુર સ્ટેટ હાઈવે પર આવેલા નાર ગામના ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી એક ટ્રક પુરપાટ ઝડપે આવી ચઢી હતી અને ઓવરટેકની લ્હાયમાં ટ્રકનું પાછળનું કોઠીયું એસટી બસ સાથે અથડાતા ડ્રાઈવર નટવરભાઈએ પોતાની બસ ડાબી સાઈડે દબાવતા બસ ડિવાઈડર ઉપર ચઢી જવા પામી હતી જેને લઈને ડ્રાઈવરને પગે તેમજ શરીરના ભાગે અને બસમાં સવાર આઠથી નવેક જેટલા મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી.










