લખતરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ શ્રોયાંસ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય ભરતસીંહ પ્રતાપસીંહ પરમાર કોન્ટ્રાકટરનો વ્યવસાય કરે છે. તેઓને લખતર હાઈવે પર સાંઈ ગેસ્ટ હાઉસ પણ છે. ગેસ્ટ હાઉસની બાજુમાં બીજા કોમ્પલેક્ષમાં તેઓનું કામ ચાલુ હોય અને સેન્ટીંગના કામમાં મજુરો લોખંડ બાંધવાનું કામ કરતા હોય ગત તા. 30-11-24એ સાંજે તેઓ મજુરોને જમાડવા ગયા હતા.
મજુરોને જમાડયા બાદ ગેસ્ટ હાઉસની રૂમમાં તેઓએ જમવાનું મંગાવ્યુ હતુ. અને જમતા હતા. આ સમયે દેવળીયાના અજયસીંહ બળવંતસીંહ રાણા અને એક અજાણ્યો માણસ તેમની રૂમમાં આવ્યા હતા. અને અજયસીંહે તું મારા ભાઈ ધર્મેન્દ્રસીંહ સાથે કેમ માથાકુટ કરે છે તેમ કહી અપશબ્દો કહ્યા હતા. જેમાં ભરતસીંહે અપશબ્દો કહેવાની ના પાડતા ઉશ્કેરાયેલા અજયસીંહે પેન્ટના નેફામાંથી પીસ્ટલ જેવુ હથીયાર કાઢી ફાયરીંગ કરતા ભરતસીંહે હાથ આડો ધરી દેતા ગોળી હાથના બાવડા પર વાગી હતી. જયારે અજયસીંહે બીજો રાઉન્ડ ફાયરીંગ કરતા ભરતસીંહ નીચે બેસી જતા ગોળી દીવાલ પર લાગી હતી. જેમાં ભરતસીંહને લોહી નીકળતી હાલતમાં સારવાર માટે હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની લખતર પોલીસ મથકે ધર્મેન્દ્રસીંહ, અજયસીંહ અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ તુરંત જ ધર્મેન્દ્રસીંહ ઝડપાઈ ગયા હતા. જયારે અજયસીંહ બનાવના 4 માસ બાદ તા. 29-3-25 ના રોજ પકડાયા હતા. હાલ જેલવાસ ભોગવતા આરોપીએ રેગ્યુલર જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, આરોપી જામીન પર મુકત થાય તો તે તપાસમાં અવરોધ ઉભા કરી શકે તેમ છે. આથી સુરેન્દ્રનગર સેશન્સ જજ એલ.એસ.પીરઝાદાએ અરજદાર આરોપી અજયસીંહ બળવંતસીંહ રાણાની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.










