લખતર-વિરમગામ હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અકસ્માતના 2 બનાવ બન્યા છે. જેમાં અમદાવાદથી દેવળીયા જતી રિક્ષા પલટી ખાતા 10 વર્ષના બાળક સહિત પને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.
મુળ લખતર તાલુકાના દેવળીયા ગામનો પરીવાર અમદાવાદથી મંગળવારે સવારે રિક્ષામાં દેવળીયા આવી રહ્યો હતો. ત્યારે લખતર હાઈવે પર કડુ અને ઓળક વચ્ચે રિક્ષા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અચાનક રિક્ષા રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી.
બનાવની જાણ થતા 108ની ટીમ દોડી ગઈ હતી. અને ઈજાગ્રસ્તો 35 વર્ષીય નીતાબેન જયંતીભાઈ રાઠોડ, 45 વર્ષીય વીમળાબેન રમણભાઈ રાઠોડ, 50 વર્ષીય રમણભાઈ ધનાભાઈ રાઠોડ, 43 વર્ષીય જયંતીભાઈ ધનાભાઈ રાઠોડ અને 10 વર્ષીય હીમાંશુ જયંતીભાઈ રાઠોડને ઈજા થતા સારવાર માટે લખતર સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયાંથી વધુ સારવારની જરૂર જણાતા 3 ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર લઈ જવાયા છે. બનાવની જાણ થતા લખતર પોલીસની ટીમે હોસ્પીટલ દોડી જઈ ઈજાગ્રસ્તોના નીવેદનને આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ લખતર હાઈવે પર કડુ પાસે પસાર થતી એક બોલેરો પીકઅપ કાર ડીવાઈડર પર ચડી જતા અકસ્માત થયો હતો. જોકે, આ બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.