• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના ઇસનપૂર મોટા ગામેથી પ્રારંભ કરાવ્યો
  • આ ટેકનોલોજીથી કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ, નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહેશે
  • ખેડૂતને એક એકરમાં ડ્રોન દ્વારા છંટકાવ માટે વધુમાં વધુ રૂ.500 સહાય અપાશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોન ટેકનોલોજી દ્વારા ઈફકો નેનો યુરીયા છંટકાવ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ઇસનપૂર મોટા ગામેથી કરાવ્યો હતો. આ નવીન ડ્રોનટેકનોલોજી તેમજ નેનો યુરિયા (પ્રવાહી) ખેડૂતો સુધી પહોંચાડવાના ભાગરૂપે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે અને ખેડૂતો ઝડપથી આ ટેકનોલોજી અપનાવે તેવા શુભ આશયથી થી ડ્રોન દ્વારા છંટકાવની આ નવીન યોજના અમલમાં મુકવામા આવી છે.

આ યોજના હેઠળ કુલ રૂ.35 કરોડ ની જોગવાઈ

કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત 20 મીનીટમાં 1 હેકટર જેટલા વિસ્તારમાં ૨૫ લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે અને ખેત મજુરની સમસ્યાનું નિવારણ થઈ શકે છે ખેડૂતોનો સમય અને ઉર્જા બચાવી ખેડૂતોને સમૃધ્ધ બનાવવા માટે કૃષિમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન અંતર્ગત ‘કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન)નો ઉપયોગ’ યોજના હેઠળ કુલ રૂ.35 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનામાં કુલ 1.40 લાખ એકર વિસ્તાર આવરી લેવાનું આયોજન છે.


ધરતી પુત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા મુખ્યમંત્રીનો અનુરોધ

આ યોજના હેઠળ ખેડૂતને એક એકરમાં ડ્રોન દ્વારા છંટકાવ માટે વધુમાં વધુ રૂ.500 સહાય આપવામાં આવશે અને જમીન ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં કુલ રૂ.2500ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. મુખ્યમંત્રીએ રાજ્યના કિસાનોની આવક બમણી કરવાના તેમજ વિવિધ પાકોના વાવેતરથી વેચાણ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ લક્ષી આયોજનની ભૂમિકા આપી હતી. તેમણે ધરતી પુત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ હિમાયત કરી હતી.

જમીનમાં આવી ખેતી હવેના સમયની માંગ છે : ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ ક્હ્યુંકે જમીનનો રસ કસ બચાવવા આવી ખેતી હવેના સમયની માંગ છે. ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ઉપસ્થિત સૌને હર ઘર તીરંગા અભિયાનમાં ઉત્સાહ પૂર્વક જોડાઈ આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાઈ પ્રધાનમંત્રી ના આહ્વાન ને ઝીલી લેવાં અનુરોધ કર્યો હતો. ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી,ધારાસભ્ય શંભુજી ઠાકોર તેમજ અગ્રણીઓ અને સચિવ ભીમાજીયાની,કૃષિ નિયામક સોલંકી અને ખેડૂતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: