- સારસાણાની સીમમાં પાંજરું મૂકી દીપડાને પૂરવા વન વિભાગ મેદાનમાં
- દીપડો હોવાની સીમ વિસ્તારના ખેડૂતોએ જાણ કરતા ફૂટ પ્રિન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું
- દીપડો હજુ સુધી પાંજરે પુરાયો નથી અને વન વિભાગની ટીમ ઉજાગરા કરી રહી છે
થાન તાલુકાના અભેપર અને સારસાણાની સીમમાં દીપડાના ફુટપ્રિન્ટ વન વિભાગની ટીમને મળ્યા હતા. ત્યારે દીપડાને શોધવા માટે વન વિભાગની ટીમે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. સારસાણાની સીમમાં દીપડાને પાંજરે પુરવા પીંજરૂ પણ મુકાયુ છે. પરંતુ દીપડો હજુ સુધી પાંજરે પુરાયો નથી અને વન વિભાગની ટીમ ઉજાગરા કરી રહી છે.
સામાન્ય રીતે વન વિસ્તારમાં દેખાતા હિંસક પ્રાણી એવા દીપડાના ફુટ પ્રીન્ટ થાન તાલુકાના અભેપર ગામની સીમમાંથી મળી આવ્યા હતા. ગામની સીમ વિસ્તારમાં ખેડૂતોને દીપડો નજરે પડતા આ અંગે વન વિભાગને જાણ કરી હતી. જેમાં થાન રેંજ ફોરેસ્ટ ઓફીસર એમ.એસ.રાજાણી સહિતની ટીમ અભેપરની સીમમાં દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં દીપડાએ અભેપર ઉપરાંત સારસાણાની સીમમાં શ્વાન, બકરી, ગાય, ભુંડનું મારણ કર્યાના અવશેષો હાથ લાગ્યા હતા. વન વિભાગની ટીમે ફુટપ્રીન્ટને આધારે તપાસ કરી હતી અને સારસાણામાં દીપડાને પુરવા માટે પાંજરૂ મુકવામાં આવ્યુ છે. જોકે, હજુ સુધી દીપડાના કોઈ વાવડ મળ્યા નથી. થાન પંથકમાં આવેલ માંડવવનમાં દીપડાનો વસવાટ રહેલો છે. ત્યારે વરસાદી વાતાવરણમાં દીપડો ફરતો ફરતો અભેપરની સીમમાં આવી ગયો હોઈ શકે છે. વન વિભાગની ટીમે અગાઉ ચોટીલાના ઠાંગા પંથકમાંથી પણ દીપડાને પાંજરે પુર્યો હતો અને બાદમાં તેને માંડવ વનમાં વિચરતો મુકી દેવાયો હતો.










