- જામનગર-અમદાવાદ રૂટની બસને અકસ્માત નડયો
- ઈજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
- અકસ્માત બાદ ઘટના સ્થળે ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાઇ હતી
લીંબડી બગોદરા નેશનલ હાઈવે ટોકરાળા ગામના પાટીયા પાસે એસ.ટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ડ્રાયવર સહિત પાંચ ઇજાગ્રસ્તો તાબડતોબ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી હાઇવે પર ગુરુવારે વહેલી સવારે ટોકરાળા ઓવરબ્રીજ પાસે આગળ જઇ રહેલી ટ્રક પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી જામનગર રાજકોટ અમદાવાદ રૂટની એસ.ટી બસ ધડાકાભેર ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસ.ટી બસના ચાલક મયુરસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ, નયનાબેન હરેશભાઈ, તથા હરેશભાઈ બીહારી રહે. રાજકોટ અને વીજયાબેન તેમજ મનસુખભાઈ દંતાવલીને ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે તાબડતોબ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં લીંબડી અને પાણશિણા પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાઇ હતી. પોલીસ ટીમે ટ્રાફ્કિ સમસ્યા હટાવી વાહન વ્યવહાર પુનઃ કાર્યાન્વિત કર્યો હતો.










