મુળીના શેખપર ગામે રહેતા અને માછીમારી કરતા ત્રણ ભાઈઓ લીંબડીના રાસ્કા નજીક કેનાલે માછીમારી કરવા ગયા હતા. ત્યારે 2 શખ્સોએ અહીં માછીમારી કેમ કરવા આવ્યા તેમ કહી માર મારી રૂપીયા 5 હજાર ઓનલાઈન પડાવી લીધાની પોલીસ ફરિયાદ લીંબડી પોલીસ મથકે નોંધાઈ હતી. આ ફરિયાદ નોંધાતા જ પોલીસે લીંબડી તાલુકા એએચપી અધ્યક્ષ સહિત 2 ને ઝડપી લીધા હતા.


મુળી તાલુકાના શેખ૫ર ગામે રહેતા 26 વર્ષીય નવલભાઈ ભરતભાઈ ડેડાણીયા માછીમારીનો વ્યવસાય કરે છે. તા. 1-5 ના રોજ બપોરે તેઓ તેમના ભાઈ વિક્રમભાઈ ભરતભાઈ અને સુરેશભાઈ ભરતભાઈ સાથે લીંબડી તાલુકાના રાસ્કા ગામે નર્મદા કેનાલમાં માછીમારી કરવા ગયા હતા. રાતના 11કલાકના અરસામાં 2 શખ્સો બાઈક લઈને ત્યાં આવ્યા હતા. અને અપશબ્દો કહી લાકડાના ધોકા વડે માર મારી અહીં કેમ માછલીઓ પકડે છે, જમીન તારા બાપની છે ? તેમ કહી માછલા પકડવાની જાળ બાઈક પર લઈને બાઈક આગળ ચલાવડાવી પોલીસ સ્ટેશન લેવા જણાવ્યુ હતુ. જયાં આ શખ્સો લીંબડીના કીશોરસીંહ રાણા અને બામણભાઈ નામના શખ્સે લીંબડી પોલીસ મથકે સમગ્ર હકિકતો જણાવતા પોલીસે ગુનો ન બનતો હોવાનું જણાવી નવલભાઈને જવા દીધા હતા. પોલીસ મથકની બહાર નીકળતા વીજ કચેરી પાસે પહોંચતા બન્નેએ કેસ કરાવી, જેલ ભેગો કરી દેવાની ધમકી આપી 5 હજારની માંગણી કરી હતી.

જેમાં નવલભાઈએ રૂપીયા ન હોવાથી કહેતા બાઈક વેચી નાંખ તેમ કહ્યુ હતુ. અને નવલે રાજીખુશીથી પૈસા આપેલ છે તેવો વીડીયો ઉતાર્યો હતો. આથી નવલભાઈએ ભાઈ વિક્રમને ફોન કરી કેસ ન થાય અને માછલી પકડવાનું લાયસન્સ રદ્દ ન થાય તે માટે 5 હજારની સગવડ કરવાનું કહેતા તેઓએ લખતર રહેતા સાળા ધનજીભાઈ પાસેથી રૂપીયા 5 હજાર ઓનલાઈન કીશોર સીંહ માં મોકલ્યા હતા. ત્યારબાદ કીશોર સીંહે ફરીવાર આ બાજુ દેખાતો નહી, નહીતર તારા હાથ-પગ ભાંગી નાંખી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બનાવની બન્ને આરોપીઓ સામે તા.18 ના રોજ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ નોંધાતા જ પીએસઆઈ વી.એમ.કોડીયાતર સહિતનાઓએ તપાસના ચક્રો ગતીમાન કરીને આરોપીઓ લીંબડી તાલુકા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના અધ્યક્ષ અને લીંબડીના છાલીયાવાળા ડેલામાં રહેતા 36 વર્ષીય કીશોરસીંહ કીરીટસીંહ રાણા અને લીંબડીના રાસ્કા રોડ પર આવેલ બી.જે.ફાર્મમાં રહેતા 60 વર્ષીય ભુપેશભાઈ ભોગીલાલભાઈ દવેને ઝડપી લીધા હતા. અને બન્ને આરોપી ઓને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરાઈ છે.


  • Follow us on: