ભાવનગર ડીવીઝન હેઠળ આવતા 6 રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશનમાં સમાવેશ કરી કરોડો રૂપિયાના ખર્ચે નવી સુવીધા ઉભી કરવામાં આવી છે. જેમાં ઝાલાવાડના લીંબડી રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે. લીંબડી રેલવે સ્ટેશને રૂ.10.55 કરોડના ખર્ચે વેઈટીંગ રૂમ, પ્લેટફોર્મ, ઓફીસોનું નવીનીકરણ, દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સ્ટેશનનું લોકાર્પણ આજે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે.
ભારતીય રેલવે આધુનીકરણની દિશામાં કદમ કરી રહ્યુ છે. જેમાં દેશના 1309 રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશનમાં સમાવેશ કરાયો છે. જેમાં ભાવનગર રેલવે ડીવીઝન દ્વારા ડીવીઝન હેઠળના 17 રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશનનો પણ તેમાં સમાવેશ થયો છે. ભાવનગર ડીવીઝનના આ 17 રેલવે સ્ટેશનોનો 200 કરોડથી વધુના ખર્ચે વિકાસ કરવામાં આવનાર છે. જેમાં ઝાલાવાડના લીંબડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો છે. ત્યારે હાલ ભાવનગર ડીવીઝન હેઠળ તૈયાર થયેલા 6 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ થનાર છે. જેમાં શીહોર જંકશન, પાલીતાણા, રાજુલા જંકશન, મહુવા, જામજોધપુર અને ઝાલાવાડના લીંબડી રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરાશે. લીંબડી રેલવે સ્ટેશનનો સીટી સેન્ટરના રૂપે વિકાસ કરવામાં રૂપીયા 10.55 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં યાત્રીકોને નવી સુવીધાઓ મળશે. સ્ટેશન પર પ્લેટફોર્મનું નવિનીકરણ, વેઈટીંગ રૂમો, નવી ઓફીસો, દિવ્યાંગો માટે ખાસ સુવીધા ઉભી કરાઈ છે. આ ઉપરાંત લાઈટીંગ, પાર્કીંગ એરીયા, આરામગૃહમાં નવી સુવીધા ઉભી કરવામાં આવી છે. લીંબડી રેલવે સ્ટેશનનું આજે તા. 22મીને ગુરૂવારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉદ્દઘાટન કરશે. જયારે દેશના પીએમ વીડિયો કોન્ફરન્સથી ઉદ્દઘાટન કરશે. સીએમના હસ્તે લોકાર્પણ થનાર લીંબડી રેલવે સ્ટેશનની બુધવારે કલેકટર આર.એમ.પટેલ, જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલવે મેનેજર રવીશકુમાર સહિતની ટીમે મુલાકાત લીધી હતી. અને સુરક્ષા તથા વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.










