અમરેલીમાં સિંહ રહેણાંક વિસ્તારમાં ઘૂસતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો.અમરેલીમાં કોવાયા ગામમાં સિંહ દેખાતા ગામવાસીઓને બહાર નીકળતા પણ ડર લાગતો હતો. કોવાયા ગામના એક રહેણાંક મકાનમાં સિંહ ઘૂસતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. સિંહ મકાનની છતની અંદરથી ઘૂસવાનો પ્રયાસ કરતો હોવાનું દેખાય છે.
જંગલ છોડી સાવજના ગામમાં આટાંફેરા
કોવાયા ગામમાં સિંહ દેખાતા ગામવાસીઓ ભયભીત થયા. મોડી રાત્રે ગામના એક મકાનમાં સિંહ ઘૂસતા લોકોમાં નાસભાગ મચી. ગામમાં સિંહની લટારથી એકબાજુ ભયનો માહોલ સર્જાયો હતો તો બીજી બાજુ સિંહ કોઈના પર હુમલો ના કરે માટે ગામના લોકોએ પોતાના બાળકોની સુરક્ષાને લઈને તેમને ઘરમાં જ બંધ કર્યા. શિકારની શોધમાં જંગલમાંથી રહેણાંક મકાનમાં ઘૂસેલ સિંહને કેવી રીતે બહાર કરવો તે લોકો માટે મોટી મુશ્કેલી બની હતી. મોડી રાત થઈ હોવાથી તેઓ કોઈ અધિકારીને જાણ કરી શકે તેમ નહોતા. એટલે ગામવાસીઓએ સાવજને ગામમાંથી દૂર કરવા બળના બદલે કળનો પ્રયોગ કર્યો.
ગામવાસીઓએ બળનો પ્રયોગ કરી સિંહને ગામથી કર્યો દૂર
ગામના મકાનમાં ઘૂસેલ સિંહની સામે વધુ બળપ્રદર્શન કરવાના બદલે તેને શાંતિથી લટાર મારવા દીધી. સિંહ હુમલો કરે તો જ જવાબ આપવો તેવો નિર્ણય કર્યો.વાયરલ વીડિયામાં દેખાય છે કે ગામના મકાનમાં ઉપરના ભાગમાં થોડી જગ્યા હતી ત્યાંથી સિંહ અંદર પ્રવેશ કરવા પ્રયાસ કરે છે. સિંહને જોતા જ મકાનમાં રહેતા લોકો બૂમાબૂમ કરવાના બદલે શાંતિથી કામ લે છે.ગામમાં લટાર મારતા સિંહે કોઈ વ્યક્તિ ઉપર હુમલાનો પ્રયાસ નહિ કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.હાકલા પડકારા કરી મહામુસીબતે સિંહને રહેણાંક મકાનની બહાર ખસેડવામાં ગામ લોકોને સફળતા મળી.









