અમરેલીના માળીલા ગામમાં ખુલ્લા કૂવામાં સિંહણ ખાબકી. વનવિભાગની ટીમની બનાવની જાણ થતાં તુરંત માળીલા ગામ પંહોચી અને સિંહણને બચાવવા રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું. વનવિભાગે સ્થાનિકોના સહયોગથી ઊંડા કૂવામાં ફસાયેલ સિંહણનું રેસક્યુ કર્યું. સિંહણનું રેસ્ક્યુ કરાયા બાદ ક્રાંકચ એનિમલ કેરમાં સિંહણને ખસેડવામાં આવી. આવા ખુલ્લા કુવાઓ વન્ય પ્રાણીઓ માટે અવાર નવાર અકસ્માતો નોતરી રહ્યા હોવાથી સિંહ પ્રેમીઓ દ્વારા આવા કૂવા ઢાંકવા માંગ કરવામાં આવી.


60-70 ફૂટ ઊંડા કૂવામાં સિંહણ ફસાઈ

પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીના માળિયા ગામના કૂવામાં સિંહણ ફસાઈ જવાની ઘટના સામે આવી. માળિયા ગામમાં પ્રાગજીભાઈ ચોવટીયાની વાડીમાં એક મોટો ખુલ્લો કૂવો છે. આ કૂવો 60-70 ફૂટ ઊંડો હોવાનું માનવામાં આવે છે. ગત રોજ બપોરના સમયમાં પ્રાગજીભાઈની વાડીના કૂવામાંથી પ્રાણીનો અવાજ આવતા ગ્રામજનો ત્યાં પંહોચ્યા. માલિલા ગામના માલધારીઓએ જોયું કે ઊંડા કૂવામાં સિંહણ ખાબકી જતાં બહાર આવવા મથામણ કરી રહી છે. કૂવામાં ફસાયેલ સિંહણને બચાવવા માલધારીઓએ સરપંચને જાણ કરી. સરપંચે ઘટનાની ગંભીરતા સમજી તુંરત વનવિભાગને માહિતી આપતા આર એફ ઓફ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ.

વનવિભાગે સિંહણનું કર્યું રેસ્કયુ

માળિયા ગામના પ્રાગજીભાઈની વાડીમાં આવેલ ઊંડા કૂવામાં ખાબકેલ સિંહણને બચાવવા બે થી ત્રણ કલાક જેટલો સમય લાગ્યો. અંતે જીવના જોખમે વનવિભાગના કર્મચારીઓએ સિંહણનું રેસક્યુ કર્યું. અને ત્યારબાદ વન્યપ્રાણી સિંહણની તપાસ માટે ક્રાંકચ એનિમલ કેરમાં સિંહણને ખસેડવામાં આવી. સિંહણને કૂવામાં પડી જવાથી કોઈ ઇજા થઈ છે કે કેમ તેની એનિમલ કેરમાં મેડિકલ ચેકઅપ કરાયા બાદ ફરી જંગલમાં છોડી મૂકવામાં આવશે.નોંધનીય છે કે અમરેલી નજીક ગીર નેશનલ પાર્ક કે જેમાં એશિયાના સિંહોની સૌથી વધુ વસ્તી હોવાનું મનાય છે. અને એટલે જ અમરેલી શહેરમાં અનેક વખત સિંહોના આંટાફેરા જોવા મળે છે. અગાઉ પણ સુત્રાપાડામાં બાળસિંહ ખુલ્લાકૂવામાં ખાબકતા ભારે જહેમત બાદ રેસ્કુય કરાયો હતો.

  • Follow us on: