- હોટેલ માટે લાઈસન્સ ફી વર્ષે 1 લાખ, સિક્યોરિટી ડિપોઝિટ બે લાખ
- લિકર એક્સેસ પરમિટ બે વર્ષ માટે મળશે, વાર્ષિક ફી એક હજાર
- ગિફ્ટ સિટીમાં 500 જેટલી કંપનીઓ છે અને 12 હજાર જેટલા કર્મચારી
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છુટછાટની અમલવારી માટે નશાબંધી અને આબકારી નિયામકે ગેઝેટ પ્રસિદ્ધ કર્યું છે. ગિફ્ટ સિટીમાં 500 જેટલી કંપનીઓ છે અને 12 હજાર જેટલા કર્મચારી છે. આ કર્મીઓ પૈકી જે કાયમી છે તે અને વિવિધ કંપનીના માલિક-સંચાલકોને વાઈન એન્ડ ડાઈન ફેસેલિટીનો લાભ મળતો થશે, ગિફ્ટ સિટીમાં લિકર એક્સેસની પરમિટ બે વર્ષના ગાળા માટે અપાશે, બે વર્ષ પૂરા થાય એટલે પરમિટ રિન્યુ કરાવવાની રહેશે, પરમિટ મેળવવા માટે વાર્ષિક ફી એક હજાર નક્કી કરાઈ છે. ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ કે ક્લબ વાઈન એન્ડ ડાઈનની સુવિધા આપવી માગતી હોય તો તેમણે ગાંધીનગરમાં પ્રોબિહિશન એન્ડ એક્સાઈઝના સુપરિન્ટેન્ડેન્ટ પાસેથી એફએલ-3 લાઈસન્સ મેળવવું પડશે, આ લાયસન્સની મુદ્દત પાંચ વર્ષ સુધીની રહેશે અને તેની વાર્ષિક ફી એક લાખ રૂપિયા હશે જ્યારે બે લાખ સિક્યોરિટી ડિપોઝિટ આપવાની રહેશે. લાયસન્સ માટે હવે જે અરજી મળશે તેની ચકાસણી કરીને ગિફ્ટ ફેસિલિટેશન કમિટીના ડાયરેક્ટરને મોકલાવાશે અને એ પછી યોગ્ય નિર્ણય લેવાશે. એકંદરે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટથી સરકારને તગડી કમાણી થશે.
મહત્ત્વનું છે કે, જે નિયમો જાહેર થયા છે તે પ્રમાણે, ગિફ્ટ સિટીના વિઝિટરને સિંગલ ડે માટે પરમિટ આપવામાં આવશે, એટલું જ નહિ પરંતુ જો નિયમોનો ભંગ થશે તો ગુજરાત પ્રોબિહિશન એક્ટ 1949 સેક્શન 54 અને 56 હેઠળ એફએલ-3 લાઈસન્સ અને લિકર એક્સેસ પરમિટને કામ ચલાઉ ધોરણે રદ્ કરવામાં આવશે, જો કોઈ ક્લબ, રેસ્ટોરન્ટ, હોટેલનું એફએલ-3 લાયસન્સ રદ્ કરવામાં આવે અથવા સસ્પેન્ડ કરાય, અથવા એક્સપાયરી પછી તેને રિન્યુ કરવામાં ન આવે તો કંપનીએ તેની પાસે લીકરનો સમગ્ર સ્ટોક પ્રોહિબિશન સુપરિન્ટેન્ડેન્ટને સોંપવાનો રહેશે. સીલબંધ બોટલ જ્યાં હશે ત્યાંથી સમગ્ર વિસ્તારમાં સીસીટીવી સર્વેલન્સ ફૂટેજ ત્રણ મહિના સાચવવા પડશે. કોણે કઈ બ્રાન્ડનો કેટલી માત્રામાં દારૂ લીધો છે તે સમય સાથે બિલમાં જ દેખાશે.










