- સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ ઐતિહાસિક
- PM AIIMS હોસ્પિટલનું કર્યુ લોકાર્પણ
- PMએ કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ
PM નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે 48,000 કરોડના વિકાસકામોની ભેટ આપવાના છે. જેમાં 10 પાવર પ્રોજેક્ટ, મુંદ્રાથી પાણીપત સુધી ક્રૂડ ઓઇલની પાઇપલાઇન, સિક્સલેન હાઇવે સહિતના 25,500 કરોડથી વધુ પ્રોજેક્ટોના ખાતમુહૂર્તો અને 5 AIIMS,ભાવનગરમાં બે હાઇવે, ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કિમ, આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો સહિત રૂપિયા 22,500 કરોડ પ્રોજેક્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે.PM મોદીએ ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ અને ત્યારબાદ તેઓએ રાજકોટના જૂના એરપોર્ટથી રેસકોર્સ મેદાન પર સભા સ્થળ સુધી રોડ શો કર્યો.
PM મોદીની કુંવરજી બાવળિયા સાથે ખાસ મુલાકાત
PM મોદીએ કાર્યક્રમ પૂર્ણ કરી હીરાસર એરપોર્ટ પર કુંવરજી બાવળિયા સાથે મુલાકાત કરી હતી,લોકસભાની ચૂંટણી નજીક આવતા આ મુલાકાત કરીહતી કેમકે,સૌરાષ્ટ્રની 4 લોકસભા બેઠક પર કોળી મતદારોનું પ્રભૂત્વ વધારે રહ્યું છે.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો કુંવરજી બાવળિયાને એરપોર્ટ પર હાજર રહેવા માટે જણાવાયું હતું.સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ બેઠકને લઈ ચર્ચા કરવામાં આવી હતી,તો સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરીને PM મોદી દિલ્હી જવા માટે નિકળ્યા હતાં.
અબકી બાર 400 કે પાર: PM મોદી
કાર્યક્રમની શરૂઆતમાં સંબોધન કરતા PM મોદીએ જણાવ્યું કે,એક સમય હતા જ્યારે દેશના તમામ પ્રમુખ કાર્યક્રમ દિલ્હીમાં જ થતાં હતા. મેં ભારત સરકારને દિલ્હીથી બહાર કાઢી દેશના ખૂણે ખૂણે પહોંચાડી અને આજે રાજકોટ પહોંચી છે. આજનો આ કાર્યક્રમ પણ આ વાતનો પુરાવો છે કે, આજનો આ એક કાર્યક્રમ દેશના અનેક શહેરોમાં વિકાસ કાર્યો, લોકાર્પણ અને શિલાન્યાસ થવું એક નવી પંરપરાને આગળ વધારી રહ્યું છે.મે આજે દ્રારકાના સમુદ્રમાં છેક નીચે સુધી પહોંચીને જુની દ્રારકા નગરીના દર્શન કરી ધન્યતા અનુભવી છે,એક સાથે 5 AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ છે,રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટની સાથે AIIMS પણ મળી છે,મે રાજકોટને ગેરન્ટી આપી હતી કે ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલ રાજકોટમાં હશે,મોદીની ગેરન્ટી એટલે પુરી થવાની ગેરન્ટી.
ગાંધીનગર વિધાનસભામાં પહેલીવાર શપથ: PM મોદી
આજે હું રાજકોટ આવ્યો છું. ઘણી જૂની યાદો તાજી થઈ ગઈ છે. મારા જીવનનો કાલે એક વિશેષ દિવસ હતો. મારી ચૂંટણી યાત્રાની શરૂઆતમાં રાજકોટની મોટી ભૂમિકા છે. 22 વર્ષ પહેલાં 24 ફેબ્રુઆરીએ જ રાજકોટે મને પહેલી આશિર્વાદ આપ્યા હતા અને ધારાસભ્ય તરીકે પસંદ કર્યો હતો. અને આજે 25 ફેબ્રુઆરીના દિવસે મેં પહેલી વખત રાજકોટના ધારાસભ્ય તરીકે ગાંધીનગર વિધાનસભામાં શપથ લીધા હતા. જીવનમાં પહેલી વખત શપથ લીધા હતા. પરંતુ આજે 22 વર્ષ પછી હું રાજકોટના એક એક વ્યક્તિને ગર્વથી કહીં શકું છું કે, મેં તમારા વિશ્વાસ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કર્યો છે. આજે સમગ્ર દેશ એટલે પ્રેમ આપી રહ્યો, આશિર્વાદ આપી રહ્યો છે તો તેના યક્ષનું હકદાર રાજકોટ પણ છે.
સરકાર ખરીદશે વિજળી : PM મોદી
વિજળીને લઈ PM મોદીએ આજે મહત્વની વાત કરી હતી,અને કહ્યું કે જે કામ 70 વર્ષમાં ના થયુ એ કામ અમે ઝડપથી કરીને બતાવ્યુ છે.કચ્છમાં આજે 2 મોટા સોલાર પ્રોજેકટ શરૂ કરાયા છે.સોલર પ્રોજેકટનો મહત્મ ઉપયોગ કરવો અને તમારા ઘર પર બનતી વિજળી સરકાર ખરીદશે અને તમને તેના રૂપિયા પણ મળશે
મેડીકલ સીટ વધશે : CM ભુપેન્દ્ર પટેલ
કાર્યક્રમની શરૂઆતમાં સંબોધન કરતા CM ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે,વિકસિત ભારતના નિર્માણમાં PMએ ગરીબ, યુવા, અનદાત્તા અને નારી શક્તિને મહત્વના પિલ્લર કહ્યાં છે. આજનો આ વિકાસ ઉત્સવ એ ચારે જાતીના વિકાસને નવી ગતી આપશે. રાજકોટને AIIMS અને રાજ્યના અન્ય વિસ્તારમાં આરોગ્ય સેવા અને સુવિધાઓ સાકાર થવાની છે તેના ગરીબ, વંચિત, જરૂરિયાતમંદો માટે આરોગ્ય સેવા સરળ અને શુલભ બનશે. હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધારો થવાથી મેડિકલની બેઠકો વધશે અને યુવાનોને ઘર આંગણે જ મેડિકલ, એજ્યુકેશન તથા ઉચ્ચ અભ્યાસ માટેની તક મળતી થશે. મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ ઉપયોગી નીવડશે. ડબલ એન્જિન સરકાર 2047 ના સ્વપ્નને સાકાર કરવામા મદદરૂપ થશે.

વિવિધ ખાતમૂહર્ત કર્યા
રાજકોટ સહિત દેશની પાંચ AIIMSનું લોકાર્પણ કર્યું. AIIMSનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ PM મોદી હેલિકોપ્ટર મારફત જૂના એરપોર્ટ ખાતે પહોંચી અને ત્યાંથી રેસકોર્સ સુધીનો 800 મીટરનો રોડ-શો યોજયો હતો. ત્યારબાદ લોકોની વચ્ચેથી સભા સ્થળે પ્રવેશ લઇ રાજકોટ શહેર-જિલ્લાના 3291 કરોડ સહિત રાજ્યના 48,000 કરોડના વિકાસકામોનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ.
લોકોએ ફૂલોનો વરસાદ વરસાવ્યો
PM મોદીએ AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ ભવ્ય રોડ-શો યોજી રેસકોર્સ સભા સ્થળે આવી પહોંચ્યા હતા. અહીં 4:43 મિનિટે તેઓ પ્રથમ વખત લોકોની વચ્ચે થઈને સ્ટેજ સુધી પહોંચ્યા હતા.
રોડ શોની શરૂઆત
PM નરેન્દ્ર મોદી જુના એરપોર્ટ પર પહોંચ્યા,ત્યાંથી રોડ શોની શરૂઆત કરી હતી,બીજી તરફ શહેરીજનો દ્વારા ઉષ્માભેર PMનું સ્વાગત કરાયું હતું,મોટી સંખ્યામાં લોકો PMને આવકારવા પહોંચ્યા હતા,
PM મોદી એ સ્વીકારી દાઉદી વિપ્ર સમાજની શાલ.
PM મોદીને સાંભળવા સાધુ સમાજ એકત્ર થયો
રાજકોટમાં PM મોદીના આગમન પૂર્વે કચ્છની કોયલ ગીતા રબારીએ દર્શકોને લોકગીતોથી તરબોળ કર્યા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ સહિતના ગીતોથી રંગત જમાવી છે. PM મોદીના સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે PM મોદીને સાંભળવા માટે સાધુ સમાજ પણ એકત્ર થયો છે.

7મી વખત ગુજરાતના પ્રવાસે PM મોદી
30-08-2016: સૌની યોજના લોકાર્પણ.
2017: રાજકોટ નાનમવા રોડ પર વિધાનસભા ચૂંટણી પૂર્વે જાહેરસભા
30-09-2018: મહાત્મા ગાંધી મ્યુઝિયમ લોકાર્પણ
19-10-2022: રાજકોટમાં એક સાથે ત્રણ ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ
28-11-2022: વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકોટના તમામ ઉમેદવારની સાથે જાહેરસભા
27-07-2023: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ લોકાર્પણ કાર્યક્રમ
25-02-2024: રાજકોટ AIIMS સહિત 48,000 કરોડ કિંમતના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં જોડાયા
PMની સુરક્ષામાં કુલ 3992 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહ્યાં. જેમાં પોલીસ કમિશનર, અને એડિશનલ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 13 જેટલા SP, 24 જેટલા DYSP, 64 PI, 218 જેટલા PSI, 2450 પોલીસ જવાન, 170થી વધુ મહિલા પોલીસ, 76 SRP જવાન, 554 જેટલા હોમગાર્ડ અને 591 જેટલા ટ્રાફિક વોર્ડન ફરજ પણ હતા.
રાજકોટ AIIMS
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં જેમનો સમાવેશ થાય તેવી ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટમાં આકાર લઇ રહી છે. જેમાં હાલ OPD સેવા છેલ્લા બે વર્ષથી કાર્યરત છે અને હવે IPD સેવા પણ આગામી માર્ચ મહિનાથી શરૂ થવા જઇ રહી છે. આજે PM મોદીએ AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, AIIMSમાં હાલ 250 બેડની IPD સુવિધા તૈયાર છે. જે શરૂ થતાની સાથે-સાથે દર્દીઓને સારામાં સારી સારવાર આધુનિક મશીનરી ઉપયોગ સાથે આપવામાં આવશે.
190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ
રાજકોટ AIIMS તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજના લોકાર્પણ પછી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને OPD બાદ IPD સારવાર પણ રાજકોટ AIIMS ખાતે મળી રહેશે. જેમાં 190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ્સ દર્દીઓની સેવા અને સારવારમાં હાજર તૈનાત રહેશે.
કાર્યરત એમ્બ્યુલન્સમાં વધારો કરાશે
250 બેડની IPDનું લોકાર્પણ થશે, જેમાં 25 બેડ ICU વાળા રાખવામાં આવશે. જ્યારે હાર્ટ એટેક, અકસ્માત, સહિત ઇમરજન્સી કિસ્સામાં ડોક્ટરોની ટીમ હાજર રહેશે. હાલમાં 2 એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવશે, જે ભવિષ્યમાં 5થી વધુ કરી દેવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ એઇમ્સ ફૂલ ફલેઝમાં શરૂ થતા સાથે આગામી સમયમાં દર્દીઓને અલગ-અલગ 23 પ્રકારની સારવાર પણ મળી રહેશે.









