- કોટ વિસ્તારમાં ડ્રગ્સનું દૂષણ દૂર કરવા હજારો લોકો રોડ પર ઊતર્યા
- રહીશો હવે લડી લેવાના મૂડમાં, આક્રોશ જોઈ પોલીસ હરકતમાં આવી
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને દરિયાપુર અને રિલીફ રોડ પર આવેલી પટવા શેરી ડ્રગ્સનું હબ બની ગયું છે. આ વિસ્તારોમાં ડ્રગ્સ માફિયાઓ પણ બેફામ થઈ ગયા છે અને યુવાનોને નશાના રવાડે ચડાવી રહ્યા છે. આ ડ્રગ્સ માફિયાઓનો ડર એટલો છે કે એકલ દોકલ માણસ ફરિયાદ પણ કરી શકતું નથી. આ ઉપરાંત દરિયાપુર પોલીસની પણ કોઈ અસરકારક કામગીરી ન હતી, જેના કારણે બે મહોલ્લાના અંદાજેએક હજાર જેટલા લોકો મળીને ડ્રગ્સનું દૂષણ દૂર કરવા રેલી કાઢવાના હતા. જોકે દરિયાપુર પોલીસે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું કહેતા લોકો પોલીસની હાજરીમાં જ ડ્રગ્સ માફિયાઓનો વિરોધ કર્યો હતો.
સ્થાનિકોએ પોલીસને રજૂઆત કરતા જણાવ્યું કે, જે લોકો ડ્રગ્સ વેચી રહ્યા છે તેમના ત્યાં બહારના લોકોનો જમાવડો થાય છે, જેના કારણે આ વિસ્તારની યુવાપેઢી પણ ધીમે ધીમે ડ્રગ્સના દૂષણમાં ધકેલાઈ રહી છે. આ ઉપરાંત ક્રાઇમબ્રાંચ, એટીએસ અને એસઓજી જેવી અનેક એજન્સીઓ અહીંથી છાસવારે ડ્રગ્સ માફિયાઓ અને નાના મોટા પેડલરોને પકડે છે. આ જ કામગીરી સ્થાનિક પોલીસ કેમ નથી કરતી?










