- મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓનું પી.ભારતી દ્વારા નિરીક્ષણ
- વડોદરાના સ્ટ્રોંગ રૂમ ખાતે સુરક્ષા વ્યવસ્થાનું પણ કર્યું નિરીક્ષણ
- એક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ ગોઠવાશેઃ બિજલ શાહ
લોકસભા ચૂંટણી 2024ના 6 તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે 1 જૂનના રોજ અંતિમ સાતમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો માટે ગત 7મી મેના રોજ મતદાન થયું હતું. અને હવે આગામી 4 જૂનના રોજ મતગણતરી શરૂ થવા જઈ રહી છે ત્યારે વડોદરા જિલ્લામાં થનાર મતગણતરીને લઈને વડોદરા જિલ્લા કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી હતી.

વડોદરા જિલ્લા કલેકટર બીજલ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી 4 જૂને લોકસભા ચૂંટણીના મતદાનની મતગણતરી કરવામાં આવશે. જેમાં, વડોદરામાં 98 ટેબલ પર 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી અધિકારી પી.ભારતીએ પોલીટેક્નિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત કરી હતી. વડોદરા ખાતે ઊભા કરવામાં આવેલ મત ગણતરી કેન્દ્રો પર ચૂંટણી અધિકારી પી.ભારતીએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તો, સાથે સાથે સ્ટ્રોંગ રૂમ ખાતે સુરક્ષા વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું.

મતગણતરીને લઈ કલેક્ટર બિજલ શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ ગોઠવવામાં આવશે. પોસ્ટલ બેલેટ માટે અલગ 27 ટેબલ ગોઠવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મત ગણતરી પ્રક્રિયામાં 620 જેટલા કર્મચારીઓ જોડાશે.