- લોકસભા ચૂંટણી 12 રાજ્યોની 94 બેઠકો માટે 7 મેના રોજ થશે મતદાન
- અમદાવાદમાં કુલ 2741 મતદાન મથકોથી વેબ કાસ્ટિંગની વ્યવસ્થા
- ચૂંટણી નિરીક્ષકોએ વેબકાસ્ટિંગ કન્ટ્રોલ રૂમની લીધી મુલાકાત
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ગણતરીના કલાકોમાં જ મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં લોકસભા ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સુચારુ ઢબે સંપન્ન થાય, એ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે.
કલેક્ટર કચેરી ખાતે વેબકાસ્ટિંગ કન્ટ્રોલ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જેની મુલાકાત અમદાવાદ જિલ્લાના ચૂંટણી નિરીક્ષકશ્રીઓ દ્વારા લેવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ લોકસભા મતવિસ્તારોના ચૂંટણી ઓબ્ઝર્વર સર્વે શ્રી વિનયકુમાર, શ્રી અભિનવ ચંદ્રા, શ્રી પુનિત યાદવ અને શ્રી શશિપ્રકાશ જ્હાએ વેબકાસ્ટિંગ કન્ટ્રોલ રૂમની મુલાકાત લઈને આ કન્ટ્રોલ રૂમ કઈ રીતે કાર્યરત રહેશે, એ અંગે જાણકારી મેળવીને પોતાનાં સૂચનો આપીને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
