• લોકસભાની ચૂંટણી 2024ના પરિણામ જાહેર
  • વડોદરા બેઠક પરથી ડો. હેમાંગ જોશીની જીત
  • હેમાંગ જોશીની રાજકીય સફર વિશે જાણો

લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. ગુજરાતની વડોદરા બેઠક પરથી ભાજપના હેમાંગ જોશીની જીત થઇ છે. હેમાંગ જોશીની જીત થતા ભાજપના કાર્યકરો તથા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે આવો જાણીએ હેમાંગ જોશીની રાજકીય સફર વિશે.

કોણ છે હેમાંગ જોશી?

ડૉ. હેમાંગ જોશી વડોદરામાં શહેર કક્ષાનો ભાજપનો યુવા ચહેરો છે. તેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે. તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન છે. તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ભૂતપૂર્વ FGS (ફેકલ્ટી જનરલ સેક્રેટરી) છે. ડૉ. હેમાંગ જોશી ફિઝિયોથેરાપીમાં સ્નાતક અને માનવ સંસાધન સંચાલનમાં અનુસ્નાતક છે. તેમણે સામાજિક કાર્ય ફેકલ્ટીમાં નેતૃત્વ પર પીએચડી કર્યું છે. તેઓ બ્રાહ્મણ સમાજના સંગઠનમાં પદાધિકારી છે. 2022માં તેમની શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

ડૉ. હેમાંગ જોશીની રાજકીય સફર

ડૉ. હેમાંગ જોશીએ 2017-21 દરમિયાન આરોગ્ય વિભાગની ફિઝિયોથેરાપી કાઉન્સિલમાં સેવા આપી હતી. તેઓ 2018-2020 દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સલાહકાર સભ્ય હતા. તેઓ 2017 થી સાવલીમાં અલીદ્રા શાળાના સ્થાપક સભ્ય છે. તેમણે વિદેશ મંત્રાલય અને ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા વિયેતનામ, માલદીવ્સ, UAE અને ઓસ્ટ્રેલિયામાં ASEAN નું પ્રતિનિધિત્વ કર્યું છે.

ડૉ. હેમાંગ જોશી વલ્લભ યુવા સંગઠનના વડોદરા જિલ્લા એકમના પ્રમુખ છે. તેઓ 2022માં અકોટા વિધાનસભા બેઠકના સંયોજક હતા. તેઓ ભાજપ ડૉક્ટર સેલના યુવા મોર્ચાના કન્વીનર છે. તેઓ ABVP દ્વારા 2015-2016માં MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક્સના GS તરીકે ચૂંટાયા હતા.

ડૉ. હેમાંગ જોશી વડોદરા શહેર બીજેવાયએમના પ્રમુખ બનવાની રેસમાં હતા, પરંતુ ઉંમરના કારણે તેઓ આ પદ મેળવી શક્યા ન હતા. બાદમાં તેમની શિક્ષણ સમિતિમાં વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ શિક્ષણ સમિતિના અધ્યક્ષ બનવાની રેસમાં હતા, પરંતુ લોકસભાના સાંસદ રંજનબેન ભટ્ટે હિતેશ પટણીના નામની ભલામણ કરી હતી.

હિતેશ પટણીનું અવસાન થતાં ડૉ. હેમાંગ જોશી ફરી શિક્ષણ સમિતિના ચેરમેન બનવાની રેસમાં હતા. જોકે, મિનેશ પંડ્યાએ આ પદ સંભાળ્યું હતું. ડૉ. હેમાંગ જોશીની ઉંમર માત્ર 33 વર્ષની હતી. ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી ભાર્ગવ ભટ્ટની ભલામણથી તેમની પ્રથમવાર શિક્ષણ સમિતિમાં નિમણૂક કરવામાં આવી હતી. જે બાદમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહની ભલામણથી તેમને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ઉમેદવાર તરીકે હેમાંગ જોશીના નામની જાહેરાત કરવામાં આવી, ત્યારે તેઓ વ્રજધામના વ્રજરાજકુમાર દ્વારા આયોજિત રંગોત્સવ કાર્યક્રમમાં હતા.

વર્ષ 1989થી વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે ભાજપ

મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ રાજવંશે આ વડોદરાની સ્થાપના વર્ષ 1721માં કરી હતી ત્યાર પછી 1949માં ભારતીય ગણતંત્રમાં વિલિનીકરણ સુધી અહીં રાજ કર્યું. ગરબા કેપિટલ અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું આ શહેર રાજ્યનું ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર છે. વર્ષ 1957માં પ્રથમવખત અહીં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આઝાદી બાદ વર્ષો સુધી રાજવી પરિવારે આ બેઠક સંભાળી હતી. મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ 4 વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા તો રણજીતસિંહ ગાયકવાડ 2 વખત સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા.વર્ષ 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે તેથી ભાજપ માટે આ બેઠક સુરક્ષિત કિલ્લા સમાન છે. 2014 થી રંજનબેન ભટ્ટને સતત જનતાએ આશીર્વાદ આ બેઠક પર આપ્યા હતા. હવે તેજ આશીર્વાદ હેમાંગભાઈ જોશીને કઈ દિશામાં મળશે તે જાણવાનો પ્રયાસ અમે વડોદરામાં જઈને કર્યો.

કુલ 19 લાખ 41 હજાર 583 મતદારો

કોઈ પણ કાર્યકર્તાને ધારાસભ્ય કે પછી સાંસદ બનાવવા પાછળ મતદારો પ્રમુખ સ્થાને રહે છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે વડોદરા લોકસભા બેઠકમાં કુલ કેટલા મતદારો નવી યાદી મુજબ સામેલ થયા છે. જણાવીએ કે આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 9 લાખ 91 હજાર 109 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9 લાખ 50 હજાર 244 સહિત કુલ 19 લાખ 41 હજાર 583 મતદારો ભાવિ સાંસદનું ભવિષ્ય આ વખતે EVMમાં કેદ કરશે.જાણવું એ પણ જરૂરી છે કે, અહીં દલિત , પાટીદાર, ઓબીસી, મુસ્લિમ, રાજપૂત, બ્રાહ્મણ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે.

7 વિધાનસભા બેઠકોનો સમાવેશ

વડોદરા લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે જાણવું એ પણ જરૂરી છે આ લોકસભા બેઠકમાં કુલ કેટલી વિધાનસભાનો સમાવેશ થાય છે. જણાવીએ કે અહીં સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર બેઠકના મતદારો સાંસદને દિલ્લી સુધી પહોંચાડવામાં પ્રમુખ ભૂમિકા ભજવી જાય છે.

  • Follow us on: