• અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક મહત્વની
  • અમદાવાદ પૂર્વ બેઠક પર 2009થી સતત ભાજપ વિજયી બન્યુ
  • હસમુખ પટેલ AMCમાં 2 ટર્મ કોર્પોરેટર રહ્યા હતા

અમદાવાદ શહેરની અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક મહત્વની છે. અમદાવાદ બેઠકે દેશના સૌ પ્રથમ લોકસભા સ્પીકર આપ્યા હતા. અમદાવાદ લોકસભા બેઠક ઐતિહાસિક અને રાજકીય રીતે મહત્વની બેઠક છે. 2008ના સીમાંકન બાદ અમદાવાદ બેઠક બે લોકસભા બેઠકોમાં વિભાજિત થઈ, અને અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક તરીકે અસ્તિત્વમાં આવી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક રાજ્યની બે પૈકીની એક અનૂસુચિત જાતિના ઉમેદવાર માટે જાહેર થઈ હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 2009માં પહેલી ચૂંટણીથી લઈને 2019ની ત્રણેય ચૂંટણીમાં સતત ભાજપના ડૉ. કિરીટ સોલંકી સતત ત્રણ વખત મોટા મત માર્જિનથી જીત્યા હતા જેમાં અમદાવાદ પૂર્વ બેઠક પર પણ 2009થી સતત ભાજપ વિજયી બન્યું છે.

ભાજપના ઉમેદવાર હસમુખ પટેલને રીપીટ કર્યા અને મેળવી ભવ્ય જીત

અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર હસમુખ પટેલને રીપીટ કર્યા હતા. તો કોંગ્રેસે પૂર્વ મેયર 2024માં આ બેઠકથી ચૂંટણી હારનાર હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. અમદાવાદ પૂર્વ લોકસભા મતક્ષેત્રમાં અમદાવાદ શહેરની બાપુનગર, ઠક્કરબાપાનગર, નિકોલ, નરોડા અને વટવા તો ગાંધીનગર જિલ્લાની દહેગામ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. અમદાવાદ પૂર્વ લોકસભા મતક્ષેત્રની તમામ સાત વિધાનસભા બેઠકો ભાજપ હસ્તક છે. 2024માં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કુલ 18 ઉમેદવારો લોકસભા ચૂંટણી લડ્યા છે. જેમાં મુખ્યત્વે જંગ ભાજપના હસમુખ પટેલ વિરુદ્ધ કોંગ્રેસના હિંમતસિંહ પટેલ રહ્યો છે. બેઠક પરથી કુલ 10 વિવિધ રાજકીય પક્ષો અને 8 અપક્ષોએ ચૂંટણી લડી હતી.

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મહત્વના ઉમેદવારો

હસમુખ પટેલ (ભાજપ): ઉંમર - 64, વર્ષ, બે વખત અમરાઈવાડીના ધારાસભ્ચ, 2019ના વિજેતા, વિવાદમાં ન રહયા, ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજથી આવે છે. વર્ષ 1960માં જન્મેલા હસમુખ પટેલ કડવા પટેલ સમાજમાંથી આવે છે. તેઓ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહે છે અને ટેક્સટાઈલ વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. હસમુખ પટેલે ડીપ્લોમા ઈન ટેક્સટાઈલનો અભ્યાસ કરેલો છે. 17મી લોકસભામાં તેઓએ ટેક્સટાઈલ વિભાગની કમિટી અને સ્ટેન્ડિંગ કમિટી ઓન વોટર રિસોર્સમાં સભ્ય તરીકે સેવાઓ આપી છે. તો હાલ તેઓ ભારત વિકાસ પરિષદ અમદાવાદના ટ્રસ્ટી પણ છે.

હસમુખ પટેલની રાજકીય સફર

ભાજપે જેમને સતત બીજી વખત લોકસભા માટે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ આપી હતી, એવા હસમુખ પટેલ AMCમાં 2 ટર્મ કોર્પોરેટર રહ્યા હતા. એસ્ટેટ કમીટી અને વોટર સપ્લાય કમીટી ચેરમેન તરીકે પણ કાર્યરત હતા. હસમુખ પટેલ વર્ષ 2012 અને 2017માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી સતત બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 2019માં ભાજપમાંથી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળતાં તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં હસમુખ પટેલની 61.76 ટકા મત સાથે જીત થઈ હતી. જેમાં તેમને 7,49,834 મત મળ્યાં હતા. આ બેઠક તેમણે 4,34,330 મતના માર્જીનથી જીતી હતી.


  • Follow us on: