- અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણાની પ્રચંડ જીત
- કોંગ્રેસના ભરત મકવાણાને 2,86,437 વોટના માર્જીનથી હરાવ્યા
- સામાન્ય કાર્યકર તરીકેની નિર્વિવાદીત છબી ધરાવે છે મકવાણા
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના મતદારોએ ફરી એકવાર ભાજપ પર ભરોસો વ્યક્ત કર્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની 6,11,704 મત સાથે ભવ્ય જીત થઈ છે. જ્યારે, તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાને 3,25,267 મત મળ્યા છે. આમ દિનેશ મકવાણાએ ભરત મકવાણા સામે 2,86,437 વોટના માર્જીનથી જીત મેળવી છે. નોંધનીય છે કે, દિનેશ મકવાણા અગાઉ અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે.
અમદાવાદ પશ્ચિમમાં આવતી કુલ 7 વિધાનસભામાંથી બે વિધાનસભા એટલે કે જમાલપુર ખાડિયા અને દાણીલીમડા વિધાનસભા બેઠકો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ તમામ બેઠકોમાં આવેલા માઇનસ બુથોને કઈ રીતે પ્લસ કરવા દિનેશ મકવાણા સામે ખૂબ મોટો પડકાર હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા દિનેશ મકવાણાની પસંદગી કરવામાં આવી હતી. અમદાવાદ પશ્ચિમ એ SC રિઝર્વ બેઠક છે.










