લુણાવાડા તાલુકાના જુના રાબડીયાથી આગરવાડા પુલ વચ્ચે નવો ડામર રોડ બનાવાયેલ છે. તેમાં રોડની વચ્ચોવચ હેન્ડપંપ દૂર નહીં કરાતા રાત્રિના સમયે ભયંકર અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. જે હેન્ડપંપ તાત્કાલિક દૂર કરવા રાહદારીઓ તેમજ વાહન ચાલકોની ઉગ્ર માંગ છે.


રાબડીયાથી આગરવાડા બ્રીજ સુધીનો રોડ પંચાયત હસ્તક છે. હાલ તે રોડ નવો બન્યો છે, પરંતુ રોડની સાઈડમાં મેટલકામ બાકી છે. આ રોડની એક સાઈડમાં એક હેન્ડપંપ આવેલ છે, જેને માર્ગ મકાન વિભાગ દ્વારા દૂર કરાયો નથી. જેથી વાહન ચાલકોને કે રાહદારીઓને રાત્રીના સમયે અકસ્માત થવાનો ભય રહેલો છે. રોડ વચ્ચેનો હેન્ડપંપ દૂર નહીં કરાતા ખાડો પડી ગયો છે. આ સિવાય નાઈટ વિઝન માટે સફેદ પટ્ટાની કામગીરી નથી કરવામાં આવી. રિફ્લેકટર કે સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. ચોમાસું નજીક આવી રહ્યું છે અને રોડનું ધોવાણ થઈ જાય તેવા સંજોગોમાં પણ જવાબદારી કોની? જેથી વહેલી તકે બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનો અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોની માંગ છે.


  • Follow us on: