- રામનવમીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'એક ભારત શ્રેષ્ઠ ભારત 'ની થીમ પર મેળાનો પ્રારંભ
- માધવપુર ઘેડના ભાતીગળ મેળામાં બીજા દિવસે મણિયારા રાસની રમઝટ બોલાઈ
- કિરણ રિજિજુ ઉપરાંત ઉતર-પૂર્વ રાજયોના મંત્રીઓ હાજર રહ્યા હતા
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે 'એક ભારત શ્રેષ્ઠ ભારત 'ની થીમ પર આયોજિત માધવપુરના ભાતીગળ લોકમેળાનો અને સાંસ્કૃતિક કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે સાંજે પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે માધવપુરનો મેળો એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે. તેના માધ્યમથી ભારતના સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસાની પ્રસ્તુતી થઇ રહી છે. જે ભરોસો આપે છે કે ભારતની એકતા પર કયારેય કોઇ આંચ નહી આવે. પ્રવાસનને વેગ આપવા બજેટમાં રૂ.2000 કરોડની જોગવાઇ કરી ત્રણ ગણા વધારા સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમને સાકાર કરવા ગુજરાતે પ્રવાસન વિભાગને નવી દિશા આપી છે. તેના કારણે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે સોનાનો સૂરજ ઊગશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમોના ઉદઘાટન પૂર્વે ભગવાન માધવરાયજીના પૌરાણિક મંદિરે ભગવાન માધવરાયજી અને ભગવાન ત્રિકમરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુ ઉપરાંત ઉતર-પૂર્વ રાજયોના મંત્રીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ માધવપુર ઘેડના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દરિયાઈ રમતોના આયોજનો અને બીચની રમણીયતાની સાથે કલાકારો દ્વારા કંડારવામાં આવેલ રેતશિલ્પોનું પણ નિરિક્ષણ કર્યુ હતું. માધવપુર (ઘેડ)માં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ ચાલી રહ્યો છે. લોકમેળા દરમિયાન દરરોજ સાંજે વિવિધ રાજ્યોના કલાકારો કલા પ્રદર્શિત કરે છે. લોકમેળાના બીજા દિવસે કલાકારો દ્વારા મણિયારા રાસની રમઝટ બોલાવી હતી.










