- કચ્છની ધરા ધરતીકંપના આંચકાથી ધ્રુજી ઉઠી
- સવારે 10:36 વાગ્યે અનુભવાયો ભૂકંપ
- ભૂકંપનું કેન્દ્રબિન્દુ લખપતથી 60 કિમી દૂર
કચ્છના લખપત પાસે ભૂકંપનો આંચકો આવ્યો છે. જેમાં લખપતમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સવારે 10:36 વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો. તેમાં ભૂકંપનું કેન્દ્રબિન્દુ લખપતથી 60 કિમી દૂર રહ્યું છે.
કચ્છની ધરા ધરતીકંપના આંચકાથી ધ્રુજી ઉઠી
કચ્છના પેટાળમાં ઉષ્મા ઉપાર્જિતની ઘટનામાં વધારો થતો હોય તેમ વર્તમાન સમયમાં ધરતીકંપના આંચકા આવી રહ્યાં છે. જેમાં કચ્છની ધરા ધરતીકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. અગાઉ મહિનાની શરૂઆતમાં સાંજે 7.41 મિનિટે રાપરથી 18 કિમિ દૂર ભચાઉ તાલુકાના કંથકોટ ગામ નજીકના ડુંગરાળ વિસ્તારમાં કેન્દ્રબિંદુ ધરાવતો 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી રીસર્ચ કચેરી ખાતે નોંધાયો હતો. જોકે સ્થાનિકે આંચકાની ખાસ અસર વર્તાઈ ન હતી.
કચ્છ જિલ્લામાં ધરતીકંપના આંચકા સતત પોતાની હાજરી પુરાવતા રહે છે
ગયા મહિનાથી આજ દિન સુધીની વાત કરીએ તો ભૂકંપ ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ધરતીકંપના આંચકા સતત પોતાની હાજરી પુરાવતા રહે છે. સદભાગ્યે આફ્ટર શોકના કારણે જાનમાલની કોઇજ નુકશાની પહોંચતી નથી પરંતુ લોકમાનસમાં ભૂકંપનો ભય બની રહે છે. છેલ્લા એક માસ દરમિયાન આવેલા આંચકો પર નજર કરીએ તો વર્તમાન માસની તા.4ના સવારે 9.12 મિનિટે ભચાઉ નજીક 2.9, તા. 14ના પરોઢે 5.8 મિનિટે ખાવડા નજીક 2.9, બપોરે 2.51 મિનિટે 2.8 અને તા.18ના 1.36 મિનિટે 3.7 અને તા.27ના માંડવી નજીક 2.8ની તિવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. લગાતાર આવતા રહેતા આંચકાનો સીલસીલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે.
4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે
ઉલ્લેખનીય છે કે કચ્છના ખાવડા વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવાર નવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા નથી. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.