- રાત્રે 12.52 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો
- સુરતથી 27 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ
- ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ
સુરતમાં મોડી રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાત્રે 12.52 વાગ્યે ભૂંકપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી 27 કિલોમીટર દૂર નોંધાયું. જેને પગલે આખા સુરત જિલ્લા આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો લાગતા લોકો ડરી ગયા હતા અને ઘરની બહાર દોડી ગયા હતા.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વારંવાર ધરા ધ્રુજી રહી છે
4 ફેબ્રુઆરીના રોજ અમરેલીના મીતીયાળામાં સતત બે દિવસ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ઉપરા છાપરી સવારે 5 મિનિટમાં ભૂકંપના ત્રણ આંચકા આવતા બધામાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેમાં પહેલો આંચકો સવારે 7.52 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું છે. સતત ભૂકંપના આંચકાથી ગામડાંઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. મીતીયાળા, સાકરપરા, ધજડી સાથે ખાંભાના ભાડ, વાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ત્રીજા ભૂકંપની 2.8ની તીવ્રતા નોંધાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મીતીયાળા પંથકમાં છેલ્લા દોઢ મહિનાથી સતત ભૂકંપ આવે છે. અગાઉ 27 ડિસેમ્બરે પણ અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મીતીયાળામાં 40 મિનિટમાં ભૂકંપના બે આંચકાઓ અનુભવાયા હતા.
ઉલ્લેખનીય છે કે ત્રણ અઠવાડિયા પહેલા મીતીયાળા ગામે સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ તપાસ માટે પહોંચી હતી. તેમણે મીતીયાળા વાસીઓ સાથે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના-નાના આંચકાઓ આવે છે.









