મહેસાણા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં શિવાલયો સહિતનાં મંદિરોમાં જય ભોલેના થતા ગૂંજ સવારથી જ શરૂ થઈ ગયા હતા અને શિવાલયો મહાદેવ ભકતોથી ઉભરાયાં હતાં.
રાધનપુર રોડ ઉપર નવનિર્મિત કાશી વિશ્વનાથ મંદિરમાં પરોઢથી જ શિવભકતોની ભીડ ઉમટી હતી. મંદિર પરિસરની ચોતરફ પણ ભકતો જોવા મળ્યા હતા. આ ઉપરાંત, મહેસાણા શહેરમાં પરા વિસ્તારમાં આવેલા પ્રાચીન ભીમનાથ મહાદેવમાં પણ ભાવિકોની ભીડ ઉમટી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શિવમંદિરોમાં આજે મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવપુર્વક અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે શિવભક્તોએ સવારથી જ ભોળાનાથની કૃપા મેળવવા શિવમંદિરો બહાર કતારો લગાવી હતી. મહાશિવરાત્રિ પૂર્વે શિવમંદિરો રોશનીથી ઝગમગી ઉઠયા હતા. ઓમ નમ્ઃ શિવાય અને હર હર મહાદેવના નાદ સર્વત્ર ગુંજી ઉઠયા હતા. સમસ્ત બ્રહ્માંડના અધિપતિ દેવાધિવેદ મહાદેવ એવા શિવજીનું પ્રાગટય અને અવતરણની રાત્રિ એટલે મહાશિવરાત્રિ બુધવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના શિવાલયોમાં આ મહાપર્વની ભારે ધાર્મિક ઉલ્લાસ સાથે ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.










