- આણંદ જાગનાથ મહાદેવ સહિત અન્ય શિવાલયોમાં ભોળાનાથની વિશેષ પૂજાનું આયોજન
- શિવમંદિરોમાં શુક્રવારે વહેલી સવારથી ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે
- શોભાયાત્રા ગામના જાહેર માર્ગો ઉપર ફરશે
નડિયાદ સહિત જિલ્લામાં આવેલા નાના-મોટા એક હજાર ઉપરાંત શિવમંદિરોમાં તા. 8 મી નારોજ શુક્રવારે મહા શિવરાત્રિ મહોત્સવ ધર્મોલ્લાસ સાથે ઊજવાશે. શિવમંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, વિશેષ પુજા, લઘુરૂદ્રયજ્ઞ, શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.આ પર્વ નિમિતે શિવમંદિરોમાં શુક્રવારે વહેલી સવારથી ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. ગળતેશ્વર,ઉત્કંઠેશ્વર મહાદેવ શંકરાચાર્યનગર સહિત અન્ય સ્થળોએ મેળો ભરાશે. ભકતજનો ભગવાન ભોળાનાથને જળાભિષેક, દૂધ, બીલીપત્ર, શિવમહિમ્ન સ્ત્રોત પાઠ કરીને ધન્યતા અનુભવશે.આ પર્વને લઇને શિવમંદિરોને શણગારવામાં આવ્યા છે. જિલ્લો શિવમય બની જશે. અને નડિયાદ શહેરના માઇ મંદિરમાં આવેલ શિવાલયમાં શુક્રવારે મહા શિવરાત્રિ નિમિતે પંચકુંડી હોમાત્મક લઘુરૂદ્ર યાગ માઇધર્માચાર્ય હરેન્દ્ર મહારાજ ના સાંનિધ્ય યોજાશે. આ ઉપરાંત નડિયાદ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય સહિત જિલ્લાના માતર, વસો સહિત વિવિધ સેન્ટરો ઉપર શિવરાત્રિ મહોત્સવ નિમિતે ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નડિયાદ તાલુકાના ડભાણ રામનાથ મહાદેવમાં શિવરાત્રિ નિમિતે સવારે 9 કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા ગામના જાહેર માર્ગો ઉપર ફરશે. આ મહાદેવ મંદિરને લાઇટ રોશની થી શણગારવામાં આવ્યું છે. વસો તાલુકાના પીજમાં કપિલેશ્વર મહાદેવ સહિત જિલ્લાના તમામ નાનામોટા શિવમંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, યજ્ઞ, ભજનકિર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જિલ્લાના ગળતેશ્વર અને ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે ભકતોનો મહેરામણ ઊમટી પડશે. મીની મેળા જેનો મહોલ સર્જાશે. જેને લઇને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત આણંદ જિલ્લામાં શુક્રવારે મહા શિવરાત્રિના પવિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આણંદના પૌરાણિક જાગનાથ મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં ભગવાન ભોળાનાથનો અભિષેક, મહાઆરતી તથા પ્રસાદ અર્પણ કરવા સાથે રાત્રિના ચાર પ્રહરની પૂજા કરી શિવજીને રિઝવવાનો પ્રયાસ કરાશે. વિવિધ શિવાલયોમાંથી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવશે. આ પ્રસંગે શિવાલયો ઓમ નમઃ શિવાય અને બમ બમ ભોલેના ભક્તિનાદથી ગુંજી ઊઠશે.










