- ટ્રાન્સફર વોરંટ જારી થતા કાશ્મીર પોલીસને સોંપાયો
- જમ્મુ પોલીસે કિરણ પટેલને શ્રીનગરની સેન્ટ્રલ સળીયા પાછળ ધકેલ્યો
- કિરણ પટેલના 8 દિવસના રિમાન્ડ મજૂર થયા હતા
પૂર્વ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવા અને 35 લાખની ઠગાઇ કેસ તેમજ અન્ય બે ઠગાઇ કેસમાં મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેણે જમ્મુ કાશ્મીર પોલીસને સોંપ્યો હતો. આથી ગઇકાલે સાંજે જમ્મુ પોલીસે કિરણ પટેલને શ્રીનગરની સેન્ટ્રલ સળીયા પાછળ ધકેલી દિધો હતો.
જમ્મુ કાશ્મીરમાં PMOમાં કલાસવન ઓફિસર બનીને રૌફ મારનાર મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઇ જગદિશ ચાવડાનો બંગ્લો પચાવી પાડવા અને રૂ.35 લાખની ઠગાઇ આચરવાના કેસમાં કાશ્મીરથી ટ્રાન્સફર વોરંટથી 6 એપ્રિલે ધરપકડ કરી હતી. આ બાદ કિરણ પટેલના 8 દિવસના રિમાન્ડ મજૂર થયા હતા. બીજી તરફ, વધુ એક ફરિયાદ કિરણ સામે નોંધાઇ હતી. જેમાં કિરણે જી 20 સમીટની હોટલ હયાતમાં ઈવેન્ટ કરાવ્યા બાદ ઇવેન્ટ કંપનીને 3.51 લાખ રૂપિયા ચૂકવ્યા ન હતા. આથી ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં પણ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ ઉપરાંત, કિરણ પટેલ સામે ઠગાઇની ત્રીજી ફરિયાદ નોંધાઇ હતી જેમાં એક બિલ્ડરને કિરણે સસ્તામાં જમીન આપવાનું કહીને 80 લાખ પડાવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડીના ત્રીજા કેસમાં પણ કિરણના 3 દિવસના રિમાન્ડ મેળવીને ઉલટ તપાસ કરી હતી. કિરણ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેણે કાશ્મીર પોલીસને સોંપ્યો હતો.










