- ક્રાઇમ બ્રાન્ચની ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી
- ટ્રાન્સફર વોરંટના આધારે કિરણ પટેલની કસ્ટડી લેવાશે
- કિરણ પટેલ સામે ગુજરાતમાં છેતરપિંડીના કેસ નોંધાયા છે
આજે મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવશે. આ સાથે કિરણ પટેલની પત્નીને પણ મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ તરફથી હજુ પણ કોર્ટમાં રિમાન્ડ વધારવાની મંજૂરી માંગવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મૂ કાશ્મીર પહોંચી છે અને ટ્રાન્સફર વોરંટના આધારે કિરણ પટેલની કસ્ટડી લેવાશે. કિરણ પટેલ સામે ગુજરાતમાં છેતરપિંડીના કેસ નોંધાયા છે. કિરણની પત્ની માલિનીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
શું છે માલિની વિરુદ્ધ કેસ
મહાઠગ કિરણ પટેલે પચાવી પાડેલા મકાનના કેસમાં તેની પત્ની માલિની પટેલની ગયા મંગળવારે નડિયાદથી ધરપકડ થઈ હતી. પોલીસે રિમાન્ડ મેળવવા માટે અમદાવાદ મેટ્રો કોર્ટમાં માલિનીને રજૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માગ કરી પણ કોર્ટે માલિનીને 3 એપ્રિલ સુધી રિમાન્ડમાં મોકલવા માટે હુકમ કર્યો હતો.
મામાના ઘરે છુપાયેલી માલિની પટેલની ધરપકડ કરાઈ હતી
મહાઠગ કિરણ પટેલ અને તેની પત્નીએ શીલજમાં રાજ્યના પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઇ જગદીશ ચાવડાનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડી તેમજ રિનોવેશનના પણ રૂ.35 લાખની ઉચાપત કરી હતી. આ કેસમાં માલિની પટેલનું નામ ખૂલતા તે ફરાર થઇ ગઇ હતી. પોલીસે જંબુસરમાં કૌટુંબિક મામાના ઘરે છુપાયેલી માલિની પટેલની ધરપકડ કરી હતી. કિરણ પટેલ પત્નીને કાશ્મીર લઈ ગયો હોય કાશ્મીર પોલીસે પણ માલિની પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ટૂંક સમયમાં ધરપકડ કરી શકે છે. મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીએ પણ પતિએ કરેલ ગુનાઓમાં સાથ આપ્યો હતો. કિરણ અને તેની પત્ની વર્ષ 2022માં જમ્મુ કાશ્મીર અને શ્રીનગર સિટીમાં ફરવા ગયા હોવાથી જમ્મુ કાશ્મીર પોલીસ કિરણ પટેલ બાદ હવે તેની પત્ની માલિનીની પણ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી શકે છે. કિરણને અમદાવાદ લાવવામાં આવશે તે બાદ જમ્મુ કાશ્મીર પોલીસ માલિની પટેલની ધરપકડ કરીને કાશ્મીર પૂછપરછ માટે લઇ જશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.
શું હતો સમગ્ર મામલો ?
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી હતી, જે પોતાને PMO ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તે પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું હતું. તેની 15 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.









