તાજેતરમાં ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ભરતી કરવા મુદ્દે આંદોલન કર્યું હતું. હવે રાજ્યમાં ધોરણ 1થી 5માં શિક્ષકોની ભરતી કરવાની માગ સાથે ઉમેદવારો મહીસાગર ખાતે શિક્ષણ મંત્રીને મળવા પહોંચ્યા હતાં. પરંતુ શિક્ષણ મંત્રી તેમના નિવાસ સ્થાને નહીં મળતાં ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. શિક્ષણ મંત્રીના નિવાસ સ્થાન બહાર ઉમેદવારોએ ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં.
200 ઉમેદવારો શિક્ષણ મંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યમાં ધોરણ 1થી 5માં કાયમી શિક્ષકોની ભરતી માટે ઘણા સમયથી ઉમેદવારો આંદોલન કરી રહ્યાં છે. આજે મહીસાગર ખાતે શિક્ષણ મંત્રીના નિવાસ સ્થાને પહોંચેલા ઉમેદવારોએ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને મળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શિક્ષણ મંત્રી નહીં મળતાં ઉમેદવારો રોષે ભરાયા હતાં. રાજ્યના અલગ અલગ જિલ્લાના અંદાજે 200 ઉમેદવારો શિક્ષણ મંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં.
ઉમેદવારોએ ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં
અગાઉ ગાંધીનગરમાં આ ઉમેદવારો શિક્ષણ મંત્રીને મળવા ગયા હતાં. ત્યાં પણ તેઓ નહીં મળતાં આજે ઉમેદવારો તેમના નિવાસ સ્થાન મહિસાગર પહોંચ્યા હતાં. અલગ અલગ જિલ્લાના 200 ઉમેદવારોને શિક્ષણ મંત્રીએ મુલાકાત નહીં આપતાં ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. ઉમેદવારોએ તેમના નિવાસ સ્થાન બહાર જમાવડો કરીને ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. ઉમેદવારોએ કહ્યું હતું કે, અમે માગણીઓ માટે ગાંધીનગર ગયા હતાં અને હવે તેમના નિવાસ સ્થાને આવ્યા છીએ પરંતુ શિક્ષણ મંત્રી અમને મળ્યા નથી.









